
વરસાદની મોસમ આવે અને જામે એટલે જલસો થઇ જાય, મજા પડી જાય. મન જાણે મોર બનીને નાચવા માંડે અને એને ક્યાંય ક્યાંય જવાની ચટપટી થવા લાગે. એમાંય કેટલાંક સ્થળો તો એવાં હોય છે જ્યાં આપણે અનેક વાર જઇ આવ્યા હોઇએ તોય દરેક ચોમાસામાં જવાનું મન થાય ત્યાંનું વાતાવરણ જ એવું રોમેન્ટિક હોય છે. ટ્રેકિંગ કરનારાઓ અને લાઇફમાં કંઇક એડવેન્ચર શોધતા લોકો માટે તો વરસાદ જાણે વરદાન બની જતો હોય છે. તેઓ નીકળી પડે છે મેઘાને મન ભરીને માણવા, પછી ભલે તેમણે જૂના ને જાણીતા પંચગની, માથેરાન, લોનાવલા ને ખંડાલા જેવા સ્પોટ્સ પર જવાનું હોય. અહીં તમને મોટા ભાગે મુંબઇની નજીકનાં આવાં જ કેટલાંક સ્થળોની માહિતી તથા ત્યાં કેવી રીતે જવું એની વિગતો આપી છે.
પંચગની
અહીંની બોર્ડિંગ સ્કૂલોમાં ભણનારા ઘણા ખરેખર નસીબદાર છે. એમની ઇર્ષા આવે એવું અહીંનું વાતાવરણ હોય છે. આવા નયનરમ્ય પંચગનીનો આછો પરિચય કરાવું. પંચગની એક મનમોહક હિલસ્ટેશન છે. અહીં સ્થાનિક લોકોની વસતિ સારી છે. અહીંનું હવામાન ખુશનુમા હોય છે અને કુદરતી સૌંદર્ય તો આંખોમાં વસી જાય એવું છે. ટેબલ ટૉપ, કમલગઢ કિલ્લો અને કિડીઝ પાર્ક જોવાલાયક-માણવાલાયક નૈસર્ગિક સ્થળો છે. વરસતા વરસાદમાં વનરાજીઓ જેના પર ઝૂકી ગઇ છે એવી અહીંની સડકો ઉપર ચાલતા અનોખા સૌંદર્યની અનુભૂતિ થાય છે. અહીં તમે ઘોડેસવારીની મજા લઇ શકો છો અને ઘોડારમાં અલગ અલગ નસ્લના ઘોડાઓમાંથી પસંદગી કરી તેમને પલાણવાની તક મળે છે.
પંચગની કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ પુણે. પુણેથી પંચગની ૯૮ કિ.મી
રેલવેમાર્ગે: નજીકનું રેલવે સ્ટેશન વાથર
સડકમાર્ગે: મુંબઇથી પુણે થઇને કુલ અંતર ૨૭૦ કિ.મી
માળશેજ ઘાટ
ટ્રેકિંગ અને હાઇકિંગના શોખીનો માટે માળશેજ ઘાટ જેવી બીજી કોઇ જગ્યા જ નથી. થાણે જિલ્લામાં આવેલા આ સ્થળ પર શનિ-રવિ લોકો ઉમટી પડે છે. પક્ષીપ્રેમીઓનું આ માનીતું અને જાણીતું સ્થળ છે. અહીં વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે અને વર્ષાઋતુ દરમિયાન ફ્લેમિંગો અહીં ઘર વસાવે છે. આ સૌંદર્ય ઉપરાંત અહીંનો હરિશચંદ્ર ગઢ ઓઝર અને ભીમાશંકર જોવા લાયક સ્થળો છે.
માળશેજ ઘાટ કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ મુંબઇ, ૧૫૪ કિ.મી. દૂર
રેલવેમાર્ગ: નજીકનું સ્ટેશન કલ્યાણ
સડકમાર્ગે: મુંબઇથી કલ્યાણ થઇ ૧૫૪ કિ.મી. દૂર
ગોવા
વરસાદની મોસમમાં આનંદ લૂંટવા માટે યહી હૈ રાઇટ ચોઇસ બેબી. અહીંનો સમુદ્રકિનારો ચોમાસામાં અનેરુ સ્વરૂપ ધારણ કરે છે. આ સમયે માછીમારો તાત્પૂરતું કામકાજ બંધ કરે જ છે પણ દરિયો માઝા મૂકે ત્યારે અહીંના સ્થાનિક લોકોનો ઉત્સાહ સ્થળને ચેતનવંતુ બનાવે છે. અહીંની હરિયાળી અને ગાંડોતૂર બનતો સમુદ્ર માણવા જેવાં હોય છે. વરસાદમાં ગોવા જાણવું ને માણવું એ એક લહાવો છે.
ગોવા કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: મુંબઇ તેમ જ મોટા ભાગના પ્રમુખ શહેરોથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ મળે છે
રેલવેમાર્ગ: કોંકણ રેલવેથી ગોવા પહોંચી શકાય
સડકમાર્ગે: મુંબઇથી ૧૨થી ૧૪ કલાક
આટલું વાંચ્યા પછી જો તમે વરસાદી વીક-એન્ડ ક્યાં ગાળવું એનો નિર્ણય લઇ લીધો હોય તો સાથેસાથે સામાનમાં કઇ ચીજ લઇ જવી એની પણ ચોકસાઇ રાખવી જરૂરી છે. અહીં તમારા લાભાર્થે કેટલીક ટ્રાવેલ ટિપ્સ આપીએ છીએ.
ભારે સામાન લઇ ન જવો. ટ્રેકિંગ કરતા હો તો મોજાંની વધુ જોડી સાથે રાખો. બુટના સોલમાં કાણા નથીને એ ચકાસી લો. વરસાદમાં પલળવાની મજા કંઇક ઓર જ હોય છે, પણ સાથે વોટરપ્રૂફ બેગ રાખવી જરૂરી છે. આવા સ્થળોએ છત્રી લઇ જવાનો કોઇ અર્થ નથી, કારણ કે ભારે વરસાદ અને જોરદાર પવનમાં તમારી છત્રી ક્યારે કાગડો થઇ જશે તે ખબર નહીં પડે. લઇ જ જવો હોય તો રેઇનકોટ લઇ જાવ. એ કંઇક ઉપયોગમાં આવશે. સાંજ પછી લટાર મારવી ગમતી હોય તો સાથે ટોર્ચ જરૂર રાખો. સમી સાંજે ચાના કપ ગટગટાવતાં ધોધનું સૌંદર્ય માણવું તમને પ્રિય હોય તો પુસ્તકનો સથવારો રાખજો. સૌથી મહત્ત્વની વાત તમારા ગમા-અણગમા ઘરે મૂકીને આવજો.
લોનાવાલા / ખંડાલા
આતી ક્યા ખંડાલા? આમિર ખાને આ જગ્યાને ગજબની લોકપ્રિય કરી દીધી. આમિર યાદ આવે એટલે સાથે રાણી મુખર્જી પણ સાંભરી આવે. એક ખાસ વાત નોંધવા જેવી અને નોંધીને યાદ રાખવા જેવી છે કે લોનાવાલા અને એની પડખે જ આવેલું ખંડાલા વર્ષાઋતુમાં નયનરમ્ય અને માણવાલાયક હોય છે. આખું ગામ રીતસરનું વાદળોના બાહુપાશમાં લપાઇ જાય છે. જો તમારા હોટેલની કોટેજની બારી ખુલ્લી રહી જાય તો વાદળું તમારા ઘરમાં અડિંગો જમાવીને બેસી જાય. પાણીના સેંકડો ધોધ રાતોરાત ફૂટી નીકળે છે અને એના નીર લીલીછમ કોતરોમાં વહી જાય છે. આ સ્થળોએ વીક એન્ડ મજાથી ગાળી શકાય છે. આ ઉપરાંત ખંડાલાથી થોડે ઉપર જતાં લોનાવાલા પહોંચી શકાય. લોનાવાલામાં ઘણું જોવા જેવું છે. ભૂશી ડેમ છે, તુંગાર્લી ડેમ છે અને હા ચિકી-ફજ ખરીદવા માટેની ઘણી બધી દુકાનોય છે. લોનાવાલાથી ૧૨ કિ.મી. દૂર આવેલી કાર્લાની ગુફાઓ જોવા જેવી છે. ભારતમાં આનાથી મોટી ચૈત્ય ગુફાઓ બીજે ક્યાંય નથી. જો તમે ટ્રેનમાર્ગે ખંડાલા-લોનાવાલા જાવ તો તમારી ટ્રેન સંખ્યાબંધ ટનલોમાંથી સાપની જેમ સરકતી સરકતી નીકળી પડે. જ્યારે તમે હવામાં તાજગીનો અહેસાસ કરો ત્યારે તમે લોનાવાલા પહોંચી ગયા હશો.
લોનાવાલા કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ પુણે ૬૬ કિ.મી. દૂર
રેલવેમાર્ગે: લોનાવાલા મુંબઇ-પુણે રેલમાર્ગ પર છે
સડકમાર્ગે: મુંબઇ-પુણે રોડ પર ૧૦૪ કિ.મી.ના અંતરે
મહાબળેશ્વર
૧૩૭૨ મીટરની ઊંચાઇએ આવેલું મહાબળેશ્વર એક જમાનામાં બોમ્બે પ્રેસિડેન્સીનું પાટનગર હતું. આજકાલ ત્યાં ભારે ભીડ થાય છે પણ એનું આકર્ષણ હજી એવું ને એવું અકબંધ છે. અહીં તમે વેણા લેકના શાંત જળમાં બોટિંગ કરી શકો છો અથવા કેટલાક મનમોહક પોઇન્ટના સૌંદર્યની મજા લઇ શકો છો. આમાંનું કંઇ જ ન કરવું હોય તો સ્થાનિક બજારમાં લટાર મારી શોપિંગ કરી શકો છો. સ્ટ્રોબેરી, જેમ વગેરે ચીજો ખરીદવાની મજા અલગ જ છે.
મહાબળેશ્વર કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ પુણે, ૧૨૦ કિ.મી. દૂર
રેલવેમાર્ગે: નજીકનું સ્ટેશન વાથર પણ પુણેથી આવવું વધુ સગવડભર્યું રહે
સડકમાર્ગે: પુણે થઇને ૨૯૦ કિ.મી.ના અંતરે
માથેરાન
માથેરાન સુધી પહોંચતાં જ તમને અડધોઅડધ આનંદ મળી જાય. આ હિલસ્ટેશનમાં વાહનોની હેરફેરને પરવાનગી નથી એટલે કાર લીધા વિના જ તમારે નીકળવું પડે. માથેરાન સુધી પહોંચવા પહેલાં તો બે કલાક રમકડાની લાગે એવી ગાડી (ટોય ટ્રેન)માં ઊંચા ચઢાણની મુસાફરી કરવાની. ટોય ટ્રેનમાં બારી પાસે બેઠા હો, એક હાથમાં પોપકોર્નનું પેકેટ હોય, બીજા હાથમાં સોફ્ટ ડ્રિન્કની બોટલ હોય અને બારી બહાર નજર ફેંકો તો હરિયાલી ઔર રાસ્તા તમારું દિલડું હરે અને કૂદાકૂદ કરતી વાનરસેના તમને મોજમજા કરાવે. જોકે વરસાદની મોસમમાં ટોય ટ્રેનની યાત્રા બંધ કરી દેવાય છે. એટલે વરસાદમાં તમારે પ્રથમ અમુક અંતર સુધી ટેક્સીમાં મુસાફરી કરવાની અને પછી ૪૦ મિનિટનું ચઢાણ. સાચું પૂછો તો નેરળથી માથેરાન સુધીના ટ્રેકિંગનો લહાવો અનેરો છે. ટ્રેકિંગના ઉત્સાહીઓ માટે આ એક અનોખું સંભારણું બની રહેશે. ચડતા ચડતા અને હાંફતા હાંફતા તમે જાંબુ, કરવંદા જેવા ખટમીઠાં ફળો સ્થાનિક લોકો પાસેથી ખરીદી શકો. માથેરાન પહોંચ્યા પછી તમારી આંખો ઠરે એટલું સોંદર્ય નીરખવા માટે છે. ચાર્લોટ, હનીમૂન હિલ, પાર્ટનર્સ કેવ અને હાર્ટ પોઇન્ટ જોવાલાયક સ્થળો છે. મુંબઇથી આવેલાઓને જો ઘરની યાદ સતાવતી હોય તો તેઓ અહીંથી મુંબઇનો નજારો લઇ શકે છે.
માથેરાન કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ મુંબઇ, મુંબઇથી ૧૦૦ કિ.મી. દૂર
રેલવેમાર્ગે: મુંબઇ-નેરળ ૯૦ કિ.મી. અને નેરળ-માથેરાન ૧૦૮ કિ.મી
સડકમાર્ગે: મુંબઇ-નેરળ-માથેરાન ૧૦૮ કિ.મી
આંબોલી
કોઇ રમ્ય સ્થળે કુટુંબ સાથે કોઇ પણ ડિસ્ટર્બ ન કરે એવી જગ્યાએ તમે બે-ચાર દિવસ ગાળવા ઇચ્છતા હો તો આંબોલી જેવી બીજી જગ્યા નથી. અહીં તમે ફિશિંગ કરી શકો છો તો નાગટ્ટા ફોલ્શ, મહાદેવ ગઢ અને નારાયણ ગઢ ખાતે પિકનિક પણ એન્જોય કરી શકો.
આંબોલી કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ બેળગામ, ૬૪ કિ.મી. દૂર
રેલવેમાર્ગે: સાવંતવાડી સ્ટેશનથી ૨૮ કિ.મી. દૂર અથવા કોંકણ રેલવેથી જઇ શકાય
સડકમાર્ગે: મુંબઇ-આંબોલી ૫૯૪ કિ.મી
પન્હાળા
આ સ્થળનું ઐતિહાસિક મહત્ત્વ છે. શિવાજી અહીંથી બહાદૂરીભરી રીતે કેવી રીતે ભાગ્યા હતા એનું સ્મરણ તમને અહીંના કિલ્લાઓ કરાવે છે. આ ઉપરાંત સંભાજી ટેમ્પલ, સોમેશ્વર ટેમ્પલ અને બીજાં કેટલાંક જોવા જેવાં સ્થળો છે.
પન્હાળા કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ બેળગામ. ૧૨૩ કિ.મી
રેલવેમાર્ગે: નજીકનું સ્ટેશન કોલ્હાપુર. ૧૮ કિ.મી.ના અંતરે
સડકમાર્ગે: મુંબઇ-પન્હાળા વચ્ચેનું અંતર ૪૨૮ કિ.મી
જવાહર
જવાહરમાં પગ મૂકતાં જ તમને ખજૂરીના વૃક્ષો, સમૃદ્ધ વનરાજી અને ખુશનુમા આબોહવાનો પરિચય થાય. આ સ્થળને થાણે જિલ્લાનું મહાબળેશ્વર અમથું નથી કહેવાતું. અહીંનો દાદરા કોપરા ધોધ તેમ જ અહીંના ગ્રામ્યરાજાના મહેલો જોવા જેવા છે.
જવાહર કેવી રીતે પહોંચશો:
હવાઇમાર્ગે: નજીકનું એરપોર્ટ મુંબઇ
રેલવેમાર્ગે: નજીકનું સ્ટેશન ઇગતપુરી. ૬૧ કિ.મી. દૂર
સડકમાર્ગે: મુંબઇ-જવાહર ૧૮૦ કિ.મી