Home / : Why keep the house moisture-free during the monsoon?

Sahiyar: ચોમાસામાં ઘરને ભેજમુક્ત કેમ રાખવું? 

Sahiyar: ચોમાસામાં ઘરને ભેજમુક્ત કેમ રાખવું? 
  • વરસાદના દિવસોમાં રાચરચીલા અને વસ્ત્રોની વિશેષ કાળજી લેવી પડે છે. આ દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધી જવાથી કોઈપણ વસ્તુ બહુ જલદી ખરાબ થઈ જવાની ભીતિ રહે છે. તેથી ગૃહિણી જો નાની નાની બાબતોની કાળજી લે તો વર્ષા ઋતુમાં પણ ઘરને વ્યવસ્થિત રાખી શકે છે.
  • સૌથી પહેલાં તો ચોમાસું બેસે તેનાથી પહેલાં જ સિલિંગ કે દિવાલમાં તિરાડ છે કે નહીં તે ચકાસી લો. જો તિરાડ પડેલી હોય તો તેને વાઈટ સિમેન્ટ કે પછી એમ.સીલથી બંધ કરી દો જેથી વરસાદ પડે ત્યારે લિકેજ ન થાય. તેવી જ રીતે વરસાદ શરૂ થવાથી પહેલાં ઘરમાં પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું જેથી વાંદા, ગરોળી, કીડી કે ઉધઈના ઉપદ્રવનો સામનો ન કરવો પડે.
  • બારી પર ફાઈબરની નેટ લગાવી દેવાથી મચ્છર-માખીઓ ઘરમાં નથી આવી શકતાં. આમ છતાં હવા આવે છે. આવી નેટને કારણે વરસાદનું પાણી પણ ઘરમાં નથી આવતું. જો કે વરસાદ ન હોય ત્યારે તેમાં ધૂળ ભરાઈ જતી હોવાથી તેને નિયમિત રીતે સાફ કરવી આવશ્યક છે. ચોમાસામાં શોર્ટ સર્કીટ-થવાની શક્યતા વધારે હોવાથી આ દિવસોમાં ઘરની ઈલેક્ટ્રિક ફિટિંગ ચકાસી લો. જો વાયર ક્યાંયથી ઢીલા હોય કે લટકતાં હોય તો રિપેર કરાવી લો. શક્ય હોય ત્યાં સુધી વોટરપ્રૂફ લાઈટ ફિટિંગનો ઉપયોગ કરો.
  • વરસતા વરસાદમાં બહારથી આવીએ ત્યારે આપણા છત્રી, રેનકોટ કે પગરખાં એકદમ ભીંજાયેલા હોય છે. આ બધું રાખવા ઘરમાં કોઈક અલગ વ્યવસ્થા હોવી જરૂરી છે જેથી તેમાંથી નીકળેલું પાણી ફરસ  પર ન પડે.
  • આ દિવસોમાં જ્યારે જ્યારે તડકો દેખાય ત્યારે ઘરની બારીઓ ખોલી નાખી સૂર્યપ્રકાશ અંદર આવવા દેવો. આને કારણે ઘરમાં રહેલો ભેજ અને તેને કારણે આવતી વાસ દૂર થાય છે. ચોમાસા પહેલાં રસોડામાં પણ કેટલાક જરૂરી કામો આટોપી લેવાના હોય છે. જેમ કે કિચન-કપબોર્ડ સાફ કરી તેમાં પાથરેલા પેપર બદલી લેવા. આ ઉપરાંત ઘઉં, ચોખા, કઠોળ, દાળ જેવા અનાજ ભરી લેવા. જો કે ગુજરાતી ગૃહિણીઓ ઉનાળા દરમિયાનમ જ હળદર, ધાણા, મરચાં, રાઈ, જીરું, ગરમ મસાલો જેવા મસાલા આખા વર્ષ માટે ભરી લેતી હોય છે. આમ છતાં કોઈ કારણસર તે શક્ય ન બન્યું હોય તો વરસાદ ચાલુ થાય તેનાથી પહેલાં આ કામ આટોપી લેવું. આ સિવાય પાપડ, વડી, વેફર જેવી વસ્તુઓ પણ અગાઉથી બનાવીને મૂકી દેવી.
  • વરસાદના દિવસોમાં સિલ્કની કે અન્ય મોંઘી સાડીઓ કોટનના કપડામાં સારી રીતે વીંટાળીને મૂકો. જે વસ્ત્રો આ દિવસોમાં ન પહેરવાના હોય તેને ઈસ્ત્રી કરાવીને મૂકી દો.  તેવી જ રીતે ટ્રાવેલ બેગ, એર બેગ તેમ જ બીજી કોઈપણ જાતની બેગનો ખાસ ઉપયોગ ન કરવાનો હોય તો તેને પોલીથીન બેગમાં નાખીને  મુકી દો.
  • ચોમાસામાં ચામડાની એક્સેસરીને જલદી ફંગસ લાગી જાય છે તેથી ચામડાની ઓફિસ બેગ, પગરખાં, કમર પટ્ટા, જેવી એક્સેસરીને અવારનવાર કોરા કપડાથી લૂછતાં રહો, ચોમાસા પછી જ્યારે આ બધી વસ્તુઓ ઉપયોગમાં લો ત્યારે તેને નામ માત્રના તેલ અથવા ક્રીમથી લૂછી લો. આમ કરવાથી તેની ઝાંખપ દૂર થઈ જશે અને તે નવા ખરીદ્યા હોય એવા દેખાશે.
  • આ દિવસોમાં કબાટ પણ ભેજવાળું થઈ જતું હોવાથી કબાટના અંદરના ખૂણાઓમાં સિલિકા જેલના સૈશે અથવા ઓડોનીલના પેકેટ મૂકી દો. આને કારણે કબાટમાં રહેલો ભેજ શોષાઈ જશે અને તેની ખુશ્બૂથી કબાટ મહેકી ઉઠશે. ઘરમાં પોતાં કરાવતી વખતે પાણીમાં ફિનાઈલ નાખવાનું ન ભૂલો. આને કારણે ચોમાસામાં ઘરમાં થતી માખીઓનો ઉપદ્રવ ઓછો થઈ જશે.
  • જો ઘરમાં નેતર કે મેટલનું ફર્નિચર હોય તો તેને માત્ર સુકા કપડાથી લૂછો. જ્યારે કાચ અને અરીસાને લૂછવા માટે ટિશ્યુ પેપર અથવા અખબારનો ઉપયોગ કરો.
  • તમે નિયમિત રીતે ફરસ પર ગાલીચો પાથરી રાખતા હો તો પણ ચોમાસા દરમિયાન તેમાં નેફથલીનની ગોળીઓ નાખી તેને પોલીથિનમાં વીંટાળીને મૂકી દો. આ દિવસોમાં ગાલીચાને ભેજ લાગવાથી તેમાંથી વાસ આવે છે. વળી જો તેના ઉપર ભીના પગ લાગે તો તેને સુકાતા પુષ્કળ સમય લાગે છે.
Related News

Icon