જમ્મુ - કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો પર પણ પૂર્ણવિરામ મુકી દીધું છે. એ પછી પાકિસ્તાનને સેંધા નમક (Rock Salt)ના વેપારીઓને નવા બજારો શોધવાની નોબત આવી છે. પાકિસ્તાનમાંથી 'હિમાલયન પિંક સોલ્ટ' નામક સેંધા નમક ખરીદનાર ભારત મોટો દેશ હતો, પરંતુ હવે ભારતે સેંધા નમક ખરીદવાનું બંધ કરતાં પાકિસ્તાનને હવે અન્ય દેશોમાં વેચવા માટે ફાંફા પડી રહ્યા છે. પાકિસ્તાન હવે અમેરિકા, ચીન અને વિયેતનામ જેવા દેશોમાં નિકાસ વધારવા માટે સતત કોશિશ કરી રહ્યું છે. વર્ષ 2024 માં પાકિસ્તાને 3,50,000 ટન રોક મીઠાનો (સેંધા નમક) નિકાસ કર્યું હતું. જેની કિંમત લગભગ 12 કરોડ ડોલર છે.
પાકિસ્તાનની અવળચંડાઈ બાદ ભારતે વ્યાપારિક સંબંધો તોડી નાખતા પાકિસ્તાનને સેંધા નમકના વ્યવસાયમાં મોટી અસર થઈ છે. પાકિસ્તાન વિશ્વમાં સેંધા નમકનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખેવરામાં રોક મીઠાની સૌથી મોટી ખાણ છે. અહીં 30 પ્રોસેસિંગ યુનિટ પણ છે.

