
ઘણા નેતાઓ ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતનો સ્ટેન્ડ વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે વિવિધ દેશોમાં ગયા છે. જેમાં ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા પહોંચ્યું. જ્યાં રિયાધમાં, AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારત પર પાકિસ્તાનના હુમલા વિષે વાત કરી હતી આ સાથે મુસ્લિમો ભારતમાં કેવી રીતે રહે છે તે અંગે પણ વાત કરી હતી.
24 કરોડ મુસ્લિમો ભારતમાં ગર્વથી રહે છે: ઓવૈસી
સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રિયાધમાં કહ્યું, "આ ખૂબ જ દુઃખદ છે કે પાકિસ્તાન મુસ્લિમ દેશો અને વિશ્વને સંદેશ આપે છે કે પાકિસ્તાન એક મુસ્લિમ દેશ છે અને ભારત નથી. પરંતુ 24 કરોડ મુસ્લિમો ભારતમાં ગર્વથી રહે છે. આ પાકિસ્તાનનો ખોટો પ્રચાર છે કે તે મુસ્લિમ દેશ હોવાથી ભારત તેને નુકસાન પહોંચાડી રહ્યું છે.'
પાકિસ્તાન આતંકવાદી જૂથોને રોકશે તો દક્ષિણ એશિયામાં સ્થિરતા આવશે
પાકિસ્તાનના આતંકવાદ પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યું કે, જો પાકિસ્તાન આ આતંકવાદી જૂથોને રોકે છે, તો દક્ષિણ એશિયામાં સ્થિરતા આવશે અને પ્રગતિ થશે. પાકિસ્તાન સાર્કમાં અવરોધો ઉભા કરી રહ્યું છે.' ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા ઓવૈસીએ કહ્યું કે, 'પાકિસ્તાનના 9 એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા હતા. જો ભારત ઇચ્છતું હોત, તો અમે તે એરબેઝને સંપૂર્ણપણે નષ્ટ કરી શક્યા હોત પરંતુ અમે તેમને અરીસો બતાવવા માંગતા હતા.'
પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં પાછું મૂકી દેવું જોઈએ
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'પાકિસ્તાનને FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની ગ્રે લિસ્ટમાં પાછું મૂકી દેવું જોઈએ. જ્યારે અસીમ મુનીરને પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યો હતો, ત્યારે યુએસ દ્વારા નિયુક્ત આતંકવાદી મોહમ્મદ એહસાન ફિલ્ડ માર્શલની બાજુમાં બેઠો હતો. આ સ્પષ્ટપણે પાકિસ્તાનની સંડોવણી દર્શાવે છે. આતંકવાદી જૂથોને ત્યાં તાલીમ આપવામાં આવી રહી છે અને આખું કામ ભારતને અસ્થિર કરવાનું છે જેથી ભારતમાં વધુ હિન્દુ મુસ્લિમ રમખાણો કરાવી શકાય.'