વલસાડ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં વલસાડ રૂરલ પોલીસ અને મુંબઈના ચેમ્બુર (ચુના ભઠ્ઠી) પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરિયા કાંઠે ચલાવવામાં આવેલી તપાસ દરમિયાન આશરે 8 કિલોગ્રામ ચરસ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
નીતિન ટંડેલનું નામ ખુલ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ પોલીસે બે દિવસ પહેલાં ચેમ્બુર વિસ્તારમાં રહીમ નામના ઈસમને 2 કિલો ચરસ સાથે ઝડપી લીધો હતો. રહિમની ધરપકડ બાદ થયેલી પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે તે ચરસ વલસાડથી લાવવામાં આવ્યું હતું. આ વિગતોના આધારે વધુ તપાસ હાથ ધરતાં પોલીસને વલસાડના ભાગલ ગામના નીતિન ટંડેલનું નામ સામે આવ્યું. મુંબઇ પોલીસે તરત વલસાડ પોલીસની મદદથી નીતિન ટંડેલને ઘેરાવ કર્યો અને તેનું નિવાસસ્થાન તલાશી લીધું. તપાસ દરમ્યાન નીતિન પાસે ચરસના 8 પેકેટ મળી આવ્યા, જેની કુલ વજન 8 કિલોગ્રામ હોવાનું બહાર આવ્યું છે. આ પેકેટોની અંદાજિત બજાર કિંમત રૂ. 35 લાખ જેટલી હોવાનું અનુમાન છે.
પેકેટો મળ્યા
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલ પેકેટો એ જ પ્રકારના છે જેમના જેવા પેકેટો થોડા સમય પહેલા વલસાડના દરિયામાં તણાઈને મળ્યા હતા. પેકેટોની બહાર સ્પષ્ટ ઓળખની છાપ હતી અને અંદરથી મળેલ ચરસની ગુણવત્તા પણ અગાઉ મળેલા પેકેટો જેવી હતી. આથી નીતિનનો આ કથિત જથ્થા પણ તે જ નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મોટા માથા સંડોવાયાની આશંકા
હાલમાં નીતિન ટંડેલને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે, કારણ કે કેસમાં હજુ પણ અન્ય મળેલા હોવાની આશંકા છે. નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટની પણ સંડોવણી સાથે મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.પોલીસે જનતાને અપીલ કરી છે કે, જો કોઈને આ કેસ અથવા નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સંબંધિત કોઈ માહિતી હોય તો તેઓ તેમના નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપે, જેથી આવા પ્રવૃત્તિઓ પર કડક પગલાં લઈ શકાય.