
સોમવારે ભારતે ન્યૂ યોર્ક ટાઇમ્સના એક અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એરોસ્પેસ અને સંરક્ષણ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે રશિયાને શસ્ત્રો સપ્લાય કરતી બ્લેકલિસ્ટેડ એજન્સીને લશ્કરી ઉપયોગ માટે સંવેદનશીલ ટેકનોલોજી વેચી છે.
ભારતીય વિદેશ મંત્રાલયે આ અહેવાલને "તથ્યપૂર્ણ રીતે ખોટો અને ભ્રામક" ગણાવ્યો અને કહ્યું કે તે રાજકીય રીતે પ્રેરિત છે. મંત્રાલયે આરોપ લગાવ્યો કે અહેવાલમાં જાણી જોઈને મુદ્દાઓને ફેરવવામાં આવ્યા છે અને ભારતની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, "આ અહેવાલમાં ઉલ્લેખિત ભારતીય કંપનીએ આંતરરાષ્ટ્રીય વ્યૂહાત્મક વેપાર નિયંત્રણો અને અંતિમ-વપરાશકર્તા પ્રતિબદ્ધતાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે." મંત્રાલયે મીડિયા હાઉસને કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા યોગ્ય તપાસ કરવા વિનંતી કરી જે આ કિસ્સામાં કરવામાં આવી નથી.
શું છે વિવાદ?
ધ ન્યૂયોર્ક ટાઈમ્સે 28 માર્ચના તેના અહેવાલમાં દાવો કર્યો હતો કે બ્રિટિશ એરોસ્પેસ ઉત્પાદક એચઆર સ્મિથ ગ્રુપે HAL દ્વારા રશિયાને ટેકનિકલ સાધનો પૂરા પાડ્યા હતા, ત્યારબાદ આ વિવાદ શરૂ થયો હતો. તેમાં ટ્રાન્સમીટર, કોકપીટ સાધનો અને અન્ય સંવેદનશીલ ભાગોનો સમાવેશ થતો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે બ્રિટન અને અમેરિકાએ આ સાધનો રશિયાને ન વેચવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે HALએ HR સ્મિથ પાસેથી મેળવેલા સાધનો બ્લેકલિસ્ટેડ રશિયન એજન્સી રોસોબોરોનેક્સપોર્ટને મોકલ્યા હતા.
ભારતે આ બાબતે સ્પષ્ટતા કરી કે HALનું વ્યવસાય માળખું સંપૂર્ણપણે કાયદેસર અને પારદર્શક છે અને તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતું નથી.