
- વિચાર-વીથિકા- દેવેશ મહેતા
सदाशिव समारंभां शंकराचार्य मध्यमां ।
अस्मदाचार्यपर्यन्तां वन्दे गुऱु परंपराम् ।।
श्रुति स्मृति पुराणानामालयं कऱुणालयम् ।
नमामि भगवत्पाद शंकर लोक शंकरम् ।।
ભગવાન શંકરના અવતાર રૂપ આદિ શંકરાચાર્યનું પ્રાક્ટય ઇ.પૂ. ૫૦૭ અને શિવલોકગમન ઇ.પૂ.૪૭૫ માં થયું હોવાનું સર્વમાન્ય બન્યું છે. એના પ્રમાણ બધા શંકર મઠોમાં પ્રાપ્ત થાય છે. આદિ શંકરાચાર્યજીનો જન્મ ઇ.પૂ.૫૦૭માં થયો હોવાનું એમના સમકાલીન પશ્ચિમ સુધન્વા ચૌહાણના તામ્રપત્રમાં પણ આલેખિત છે. કેરલનાં કાલડી ગામમા વૈશાખ સુદ પાંચમના રોજ વિદ્વાન શિવગુરુ અને આર્યામ્બા થકી તેમનો જન્મ થયો હતો. અનેક દિવસો સુધી પત્ની સાથે ભગવાન શંકરની આરાધના કર્યા પછી વૃષાચલેશ્વર શિવમંદિરમાં ભગવાનના દર્શન પ્રાપ્ત કરી એમના વરદાન થકી પુત્ર પ્રાપ્ત થતાં તેનું નામ શંકર રાખ્યું હતું.
તે ત્રણ વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું મરણ થઇ ગયું હતું. બાળ શંકર અત્યંત મેઘાવી અને પ્રતિભાશાળી હતા. ત્રણ વર્ષની ઉંમરે એમણે અનેક વિદ્યાઓ ગ્રહણ કરી લીધી હતી, પાંચ વર્ષની ઉંમરે એમના ઉપનયન સંસ્કાર થયા હતા. આઠ વર્ષની ઉંમરે તો તેમણે બધા વેદ અને વેદાંગનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. એ જ વર્ષે તેમણે આચાર્ય ગોવિન્દનાથ પાસેથી સંન્યાસ ગ્રહણ કરી લીધો હતો અને શંકરમાંથી શંકરાચાર્ય બન્યા હતા.વારાણસીથી બદ્રિકાશ્રમ સુધીની પદયાત્રા કરી, સોળ વર્ષની ઉંમરે બ્રદ્રિકાશ્રમ પહોંચી બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખ્યું, આખા ભારત દેશમાં ભ્રમણ કરી અદ્વૈત વેદાન્તનો પ્રચાર કર્યો, દરભંગા જઈ મણ્ડન મિશ્રને શાસ્ત્રાર્થમાં હરાવી તેને સંન્યાસ ધારણ કરાવી દીક્ષા આપી શિષ્ય બનાવ્યો, દેશમાં પ્રચલિક તત્કાલીન કુરીતિઓને દૂર કરી સમભાવદર્શી ધર્મની સ્થાપના કરી અનેક આધ્યાત્મિક, ધાર્મિક, સાહિત્યક રચનાઓ કરી.
અષ્ટોત્તર સહસ્ત્ર નામાવલિ :, ઉપદેશસહસ્ત્રી, ચર્પટપંજરિકાસ્તોત્રમ્, તત્ત્વવિવેકાખ્યમ્, દત્તાત્રેયસ્તોત્રમ્, દ્વાદશપંજરિકાસ્તોત્રમ્ , પંચદશી, પરાપૂજાસ્તોત્રમ્, પ્રપંચસાર, ભવાન્યષ્ટકમ્, લઘુવાક્યવૃત્તી, વિવેકચૂડામણિ, સર્વવેદાન્તસિદ્ધાન્ત સાર સંગ્રહ, સાધનપંચકમ્, અનેક ઉપનિષદોના, બ્રહ્મસૂત્ર અને ગીતાના ભાષ્યો લખ્યા તે ઉપરાંત ગણેશ, શિવ, શક્તિ, વિષ્ણુ સ્તુતિઓ, ગંગાષ્ટકમ્, યમુનાષ્ટકમ્, નર્મદાષ્ટકમ્, ષટપદીસ્તોત્રમ્ વગેરે અનેક સ્તોત્રો- સ્તુતિઓ રચી જે આજે પણ લોક જીભે સતત ગવાતી રહે છે.
જીવાત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી
આદિ શંકરાચાર્યજી મહાન સમન્વયવાદી હતા. તેમને સનાતન ધર્મને પુન:સ્થાપિત અને પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આપવામાં આવે છે. તેમણે અદ્વૈત ચિંતનને પુનજીર્વિત કરી સનાતન હિંદુ ધર્મના તાત્વિક આધારને સુદ્રઢ કર્યો તેમના અદ્વૈત દર્શનનો સાર આ શ્લોકમાં પ્રતિબિંબિત થાય છે. श्लोकधेन प्रवक्ष्यामि यदुत्कं ग्रंथकोटिभिः । ब्रह्म सत्य जगन्मिथ्या, जीवो ब्रह्मौव नापरः ।। .કરોડો ગ્રંથોએ જે કહ્યું છે તે હું અડધા શ્લોકથી કહું છું. કેવળ બ્રહ્મ જ સત્ય છે, જગત મિથ્યા છે. જીવ બ્રહ્મ જ છે, બીજું કંઈ નથી.' તેમનો અદ્વૈત સિદ્ધાંત કેવલાદ્વૈત તરીકે ઓળખાય છે. તે કહે છે કે જીવાત્મા અને પરમાત્મામાં કોઈ ફરક નથી. જે અભેદ દર્શનના જ્ઞાાનથી આત્મ-સાક્ષાત્કાર કરી લે છે. તેને બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે.
આત્મા તો બધાનો એક જ છે
શંકરાચાર્ય ગુરુની આજ્ઞાાથી કાશી વિશ્વનાથના દર્શન કરવા જતા હતા. ત્યારે રસ્તામાં તેમની સામે ચાર કૂતરાં સાથે એક ચાંડાળ આવી ગયો. તેમણે ક્રોધાયમાન થઈ તેને તેમની સામેથી દૂર ખસી જવા આજ્ઞાા કરી. તેણે શંકરાચાર્યને કહ્યું- તમે કોને આઘો ખસી જવાનું કહો છો? શરીરને કે આત્માને? જો શરીરને કહેતા હો તો શરીર તો મિથ્યા છે એમ તમે કહો છો. શરીર જગતમાં છે અને જગત તો મિથ્યા છે. તમારું શરીર જેવું બનેલું છે તેનું જ મારું બનેલું છે અને જો આત્માને દૂર ખસવાનું કહેતા હો તો આત્મા તો બધાથી અસ્પૃશ્ય, નિત્ય શુધ્ધ, બુદ્ધ, મુક્ત છે. આત્મા તો બધાનો એક જ છે. બધાના શરીરમાં રહેનારા પરમાત્માના અંશરૂપ આત્માની તમે અવહેલના કરો છો એટલે તમે અજ્ઞાાની અને અબ્રાહ્મણ છો એટલે તમે મારી સામેથી દૂર ખસી જાવ.'
ચાંડાલની દેવવાણી સાંભળી તેનાથી પ્રભાવિત થઈ આચાર્ય શંકર કહેવા લાગ્યા- તમે મને જ્ઞાાન આપ્યું છે એટલે તમે મારા ગુરુ થયા. તેમણે ચાંડાળને પ્રણામ કર્યા તો તેની જગ્યાએ ભગવાન શિવ અને ચાર દેવોના દર્શન થયા. આ સમયે તેમણે 'મનીષા પંચક' નામનું સ્તોત્ર પણ રચ્યું. જેમાં તેમણે કહ્યું છે - 'चाण्डालोडस्तु स दिखोडस्तु गुऱुरिडत्येषा मनीषा मम ' જેને આવું અદ્વૈત દર્શન છે તે મારો ગુરુ છે, પછી તે ચાંડાળ હોય કે બ્રાહ્મણ હોય.'