
કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ના સદસ્ય શશી થરુરે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે કે, જેનાથી પાર્ટીને ચિંતામાં મૂકી દીધી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને વૈશ્ચિક મંચ પર ભારતને એક પ્રાઈમ એસેટ ગણાવ્યું હતું. થરૂરે વડાપ્રધાનની એનર્જી, ગતિશીલતા અને અન્ય દેશો સાથે જોડાવાની તેમની ઈચ્છા પર વધુ સમર્થન આપવા અપીલ કરી છે.
થરુરે ભાજપના આતંકવાદ વિરોધી રાજનીતિ અભિયાનનું નેતૃત્વ કર્યું
કોંગ્રેસ સાંસદ શશી થરુરે ગયા મહિને 'ઓપરેશન સિંદૂર' પછી અમેરિકા, બ્રાઝિલ અને અન્ય ત્રણ દેશોમાં સત્તારુઢ ભાજપના આતંકવાદ વિરોધી રાજનીતિ અભિયાનનું નેતૃત્વ કર્યું હતું.
મીડિયામાં પ્રકાશિત થયેલા એક લેખમાં શશીએ જણાવ્યું હતું કે, 'સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે અભિયાનમાં રાષ્ટ્રીય સંકલ્પ અને અસરકારક સંદેશાવ્યવહારની તક મળી હતી. ભારત જ્યારે એક થાય છે, ત્યારે તે સ્પષ્ટતા અને દૃઢતા સાથે પોતાનો અવાજ ઉઠાવી શકે છે.' થરુરે આગળ કહ્યું કે, 'પ્રતિનિધિમંડળોએ દુનિયાને પહેલગામ આતંકી હુમલા પછી ભારતની માપેલી લશ્કરી કાર્યવાહી સમજાવી. આ સાથે પાકિસ્તાન સાથે આતંકવાદના ગાઢ સંબંધો વિશે પણ જણાવ્યું હતું.'
'આ આઉટરીચને સફળ ગણાવતા થરુરે કહ્યું...'
તેમણે વિશેષ કરીને અમેરિકામાં ભારતીય અને પાકિસ્તાની પ્રતિનિધિમંડળોને એક સાથે પહોંચવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે, જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પણ ત્યાં હાજર હતું, અમને જાણવા મળ્યું કે, અમેરિકી પ્રતિનિધિઓ અમારી ચિંતાઓ વ્યક્ત કરી રહ્યા હતા અને આતંકવાદી જૂથો સામે નિર્ણાયક કાર્યવાહીને સમર્થન આપી રહ્યા હતા. તથ્યો પર આધારિત અમારી દલીલો ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહી હતી.' તેમણે આ આઉટરીચને સફળ ગણાવતા લખ્યું કે, અમે સતત દેશની સરહદ પાર ખતરાની ગંભીરતાને ઉજાગર કરી છે, જેનો એક માત્ર ઉદ્દેશ્ય અપરાધિઓને જવાબદાર ઠેરવવા માટે વૈશ્ચિક સહમતિ બનાવવાનો છે.
કોંગ્રેસના નિશાન પર
પહલગામ આતંકવાદી હુમલા બાદ નરેન્દ્ર મોદી સરકારના વલણને સમર્થન આપવાના કારણે શશી થરૂર તેમના પોતાના પક્ષના કેટલાક સહયોગીના નિશાન પર છે. તિરુવનંતપુરમથી સાંસદ તરીકે ચૂંટાયા પછી તેમની અને પક્ષ વચ્ચેનો મતભેદ વધ્યા છે. બંને વચ્ચે પહેલાથી જ કેટલાક મુદ્દાઓ પર અસહમતિ છે, જેમાં પીએમ મોદીને લઈને તેમની સતત પ્રશંસાનો પણ સમાવેશ થાય છે.