
- ગોચર-અગોચર
યોગવાશિષ્ઠ રામાયણમાં મહર્ષિ વશિષ્ઠ રામને કહે છે -
આશાપાશ શતા બદ્ધા વાસના ભાવ ધારિણ: । કાયાત્કાયમુપાયન્તિ વૃક્ષાદવૃક્ષમિવાંડજા: ।। હે રામ !
'મનુષ્યનું મન સેંકડો આશાઓ અને વાસનાઓના બંધનમાં બંધાયેલું હોય તો એને પૂરી કરવા તે જીવાત્મા તેને અનુરૂપ યોનિમાં પ્રવેશ કરીને એવું શરીર ધારણ કરી એ રીતે જન્મોના ભવફેરામાં ભ્રમણ કરે છે જે રીતે એક પક્ષી એક વૃક્ષને છોડીને ફળની આશાથી બીજા વૃક્ષ પર જઇને બેસે છે.'
એ રીતે યોગવાશિષ્ઠ રામાયણના ત્રીજા અધ્યાયના ૫૫મા સૂત્રના ૩૯ થી ૪૨મા શ્લોકોમાં વશિષ્ઠ મુનિ કહે છે - 'હે રામ, પુરુષના વીર્ય રૂપે જીવાત્મા જ સ્ત્રીની યોનિમાં પ્રવેશ કરે છે અને ગર્ભની રચના થાય છે ત્યારે પરિપક્વ બની એક બાળકનું રૂપ ધારણ કરે છે અને પોતાના પૂર્વજન્મના સંસ્કારો પ્રમાણે શરીર તથા તેવું જીવન પ્રાપ્ત કરે છે. શુક્રાણુના સૂક્ષ્મ કોષમાં જ જીવની શારીરિક રચનાના બધા ગુણસૂત્ર (chromosomes) રહે છે. નવા શરીરમાં આવ્યા પછી પોતાના પૂર્વજન્મના અનુભવોનું વિવરણ કરનારની બાબત યજુર્વેદમાં (૪/૧૫) નિરૂપિત થઇ છે. પૂર્વજન્મનું સ્મરણ થનાર એક જાગતિક વ્યક્તિ તેમાં કહે છે - 'શરીરમાં જે પ્રાણશક્તિ આગ્નેય પરમાણુના રૂપમાં કામ કરી રહી હતી તેના વિશે હું જાણી શક્યો નહોતો. કે મારા સંસ્કાર એમાં કઇ રીતે અંકિત થતા રહ્યા. મરણ વખતે મારી પૂર્વજન્મની ઇચ્છાઓ જેમ નિદ્રા સમયે મન અને ઇન્દ્રિયો વિલિન થઇ જાય છે તે રીતે મારા પ્રાણમાં વિલિન થઇ ગઇ હતી. એ મારા પ્રાણોનું આ બીજા શરીરમાં પુન: જાગરણ થવાથી ફરી ક્રિયાનો સંચાર થવા લાગ્યો છે. હવે હું આંખ, કાન, નાક વગેરે ઇન્દ્રિયોને ફરી પ્રાપ્ત કરી જાગૃત થયો છું અને પોતાના પૂર્વે કરેલા કર્મોનું ફળ ભોગવવા બાધ્ય બન્યો છું. પૂર્વજન્મની ઇચ્છાઓ, આશાઓ જ આ જન્મમાં એના સંતોષ માટે માર્ગદર્શન આપે છે.'
'સોસાયટી શેર સાઇકિક રીસર્ચ'ના સ્થાપક, બ્રિટિશ પરામનોવિજ્ઞાની અને સંશોધક ફ્રેડરિક વિલિયમ માયર્સ એમના 'હ્યુમન પર્સનાલિટી એન્ડ ઇટ્સ સર્વાઇવલ ઓફ બોડિલી ડેથ'માં જણાવે છે કે મૃતાત્માઓ મનુષ્યની ચેતન સત્તાનો એ પડછાયો છે જેનો સતત પ્રવાહ મરણ પછી પણ ચાલુ રહે છે. આ લોકની જેમ પરલોક પણ અસ્તિત્વ ધરાવે છે અને ત્યા મૃતાત્માઓ રહે છે અને પોતાની અતૃપ્ત ઇચ્છા પૂરી કરવા કે એમનું અધૂરું રહી ગયેલું કામ પૂરું કરવા પ્રેતાત્માના રૂપે આવતા હોય છે.
અમેરિકન ભૌતિક વિજ્ઞાની અને ક્લાસિકલ મિકેનિક્સના પાઠય પુસ્તકના લેખક હર્બર્ટ ગોલ્ડસ્ટિન એમના 'પ્રોપેગેશન ઓફ શોર્ટ રેડિયો વેવ્ઝ'માં જણાવે છે કે વાયુમંડળમાં વ્યાપ્ત 'અપ્રવર્તનાંક પ્રવણતા'ના સ્તરની પાછળ અદ્રશ્ય, અગોચર વિશ્વ રહેલું છે જે આપણી સાથે જોડાયેલું છે અને આપણને દેખાતા, અનુભવાતા અને અસર કરતા જગતની જેમ અસર કરતું હોય છે. આપણા ઇહલોક (આ જગત) અને મૃતાત્મા જ્યાં રહે છે તે પરલોક વચ્ચે જોડાણ હોય છે અને એટલે જ મૃતાત્માને કોઇ કાર્ય પૂરું કરવાની પ્રબળ ઇચ્છા હોય તો તે પ્રેતાત્મા રૂપે આ જગતમાં આવી તેને પૂરું કરી લેતા હોય છે. તે વ્યક્તિ જ્યાં રહી હોય અથવા ત્યાં કોઇ વિશેષ સંજોગોમાં મરણ પામી હોય તો તે જગ્યાએ તે પ્રેત રૂપે આવાગમન કરે છે.
આવી ઘટના ઓસ્ટ્રેલિયામાં થોડા સમય પૂર્વે બની હતી. ઉત્તર ઓસ્ટ્રેલિયાના બિરડમ (Birdum) ટાઉનમાં આવેલી 'થ્રી લેન ઓમેન' હોટલમાં ઉર્સુલા નામની એક યુવતીનો પ્રેતાત્મા અવારનવાર જોવા મળતો. ઉર્સુલા જીવતી હતી ત્યારે આ હોટલમાં થોડા દિવસ રોકાઈ હતી. ઉર્સુલા અત્યંત સુંદર અને યુવાન હતી. કેટલાક લૂંટારાઓ એ હોટલ પર લૂંટ કરવાના ઇરાદાથી આવ્યા અને લૂંટફાટ કરતા એના ઓરડામાં પ્રવેશ્યા હતા. તેમણે ઉર્સુલાની તમામ રોકડ રકમ અને મોંઘી ચીજવસ્તુઓ લૂંટી લીધી અને એના હાથમાં પહેરેલી હીરાની વીંટી પણ કાઢવા માંડી. તે ઉર્સુલાને અત્યંત પ્રિય હતી એટલે તેણે તે આપવાનો ઇન્કાર કરી દીધો. એ ત્રણ લૂંટારા તેની સાથે બળજબરી કરી તે લૂંટી લીધી. તેની સાથે દુર્વ્યવહાર કર્યો. તેનું યૌન ઉત્પીડન કરી તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી. રાતના અંધારામાં તેની લાશ હોટલની બહાર લઇ જઇ થોડેઘણે દૂર જઇ અવાવરું જગ્યાએ દાટી દીધી.
આ ક્રૂર હત્યાના બે-ત્રણ દિવસ બાદ ઉર્સુલાનો વિક્ષુબ્ધ આત્મા એ હોટલમાં ભટકતો જોવા મળ્યો. તેણે એ હોટલને જાણે કે પોતાનું ઘર બનાવી દીધું. હોટલનો કોઇ રૂમ ખાલી હોય તો તે તેમાં તે પ્રેતાત્મા રૂપે આવીને રોકાતી. હોટલના કર્મચારીઓએ ઉર્સુલાને અનેકવાર એ રૂમના આલીશાન બેડ પર પગ લાંબા કરીને આરામ કરતી કે મોજથી સૂતી જોઈ હતી. કેટલીક વાર થ્રી લેન ઓમેનના કોરીડોરમાં આંટા મારતી પણ તેણે હોટલના કોઈ કર્મચારીને કે રોકાણ કરનારા બીજા કોઇ ગ્રાહકને નુકસાન કર્યું નહોતું. અન્ય લોકોને તો તે તેમના જેવી હોટલમાં રોકાનારી વ્યક્તિ જ લાગતી. હોટલ મેનેજમેન્ટ કરનારાએ કે યુવતી પ્રેતાત્મા છે એવી જાહેરાત કરી જ નહોતી. એમ કરે તો તેમની હોટલમાં કોઇ રોકાવા આવે જ નહીં અને તેમને નુકસાન થાય.
એક દિવસ ઉર્સુલાને લૂંટીને તેનું યૌન ઉત્પીડન કરી તેની હત્યા કરનારા પેલા ત્રણ લૂંટારા એ હોટલમાં રાત્રિ રોકાણ માટે આવ્યા. પહેલીવાર જ્યારે લૂંટ કરવા આવ્યા હતા ત્યારે તો મોં પર બુકાની બાંધીને આવ્યા હતા એટલે કોઇ તેમને ઓળખી શક્યું નહી. એમને અપાયેલી ચાવીથી જેવું એમણે બારણું ખોલી લાઇટ ઓન કરી ત્યારે જે દ્રશ્ય જોયું તેનાથી ગભરાઈ ગયા. રૂમના બેડ પર ઉર્સુલા એની આગવી અદામાં પગ લાંબા કરીને આરામ કરતી હતી. તેણે તેમની સામે મારકણું સ્મિત કર્યું અને બોલી - 'છેવટે તમે અહીં આવ્યા ખરા. હું તમારી જ રાહ જોતી હતી. તમે મને ઓળખી તો ખરીને ? મને તો તમે કેવી રીતે ન ઓળખી શકો ? હું તો તમને ન ઓળખું એવું કદાપિ બની જ ન શકે ! લૂંટ , બળજબરી અને હત્યા કેમ ભૂલાય ? એનો બદલો લેવા હું પરલોકથી આવી છું. પછી ઉર્સુલાનું સુંદર મુખ બિહામણું બની ગયું. ત્રણેય લૂંટારામાં જે વધારે બળવાન હતો અને ઉર્સુલાનું ગળું જોરથી દબાવી રાખ્યું હતું તે ધડામ કરતો નીચે પટકાયો, તે ચીસો પાડવા લાગ્યો - 'મને છોડી દે, મને માફ કરી દે.' પણ બે-ચાર સેકન્ડમાં જ તેની આંખના ડોળા બહાર આવી ગયા. તેનું ભયાનક પીડા સાથે મરણ થઇ ગયું. પોતાનું આવું ભયંકર મરણ તે પ્રેતાત્મા યુવતી કરી ન નાંખે તેવું વિચારી તે રૂમની બહાર દોડીને તે હોટલમાંથી નીકળી ગયા અને તે બન્નેએ આત્મહત્યા કરી નાંખી. તે પછી તે હોટલમાં ઉર્સુલાનો પ્રેતાત્મા કોઇને જોવા મળ્યો નહોતો.'
- દેવેશ મહેતા