
- હજુ દશ મિનીટ પહેલા તો આ માણસ સાથે સિંહ ગેલ કરી રહ્યો હતો, અચાનક આ શું થયું ?
જુ નાગઢનો વિરેન્દ્રસિંહ પ્રકૃતિ પ્રેમી અને વાઈલ્ડલાઈફનો શોખીન યુવાન હતો. તેને ગીરના જંગલોમાં જઈ વાઈલ્ડલાઈફ અને પ્રકૃતિના ફોટા પાડવાનો ગજબનાક શોખ હતો.
વરસાદી માહોલમાં ગીરના જંગલમાં ચારેતરફ લીલોતરી છવાઈ ગઈ હતી. જુનાગઢમાં છેલ્લા અઠવાડિયામાં મુશળધાર વરસાદથી નદીનાળા ઉભરાઈ ગયા હતા. વિરેન્દ્રને ફોટા પા
ડવાનો મૂડ આવી ગયો, અને તે પોતાની ખુલ્લી જીપમાં કેમેરા સાથે નીકળી પડયો. વાંદરાઓના ટોળા હુપાહુપ કરતાં કુદાકુદ કરતાં હતા. તેના ફોટા પાડી આગળ ગાઢ જંગલમાં તે આગળ વધ્યો, સામે વિશાળ નદી બે કાંઠે વહી રહી હતી. વરસાદી પાણીનું જોર જબરજસ્ત હતું. ત્યાં તેણે એક સિંહણને પોતાના બચ્ચા સાથે પાણી પીવા આવતા જોઈ. તે જોતો જ રહી ગયો, ફોટા અને વિડીયો ઉતારતો હતો, ત્યાં અચાનક સિંહણનો પગ લપસ્યો, અને.... તે જઈ પડી ઊંડા પાણીમાં, વહેણ જોરદાર હતું, કે તે તણાતી ક્યાંય આગળ નીકળી ગઈ. નાનું બચ્ચું એકલું રહી ગયું. આજુ બાજુ હિંસક પ્રાણીઓ દિપડા કે બીજા સિંહ તેને ફાડી ખાય તેમ હતું, વિરેન્દ્રને દયા આવી. દોડીને તેણે બચ્ચાંને જીપમાં બેસાડી પોતાને ઘેર લઈ આવ્યો. ઘરે તેના માબાપ અને નાનીબેન ગભરાઈ ગયા. પણ વિરેન્દ્રએ તેમને સમજાવ્યા, તેને દુધ અને ખોરાક આપ્યો. સિંહબાળ વિરેન્દ્ર સાથે એકદમ હળીમળી ગયું. વિરેન્દ્રએ તેનું નામ રાઘવ પાડયું. છ મહિના વરસમાં તો રાઘવ ખાઈપીને અલમસ્ત બની ગયો. બે વરસનો રાઘવ તો હવે બિલકુલ જુવાન સિંહ જ લાગતો હતો. વિરેન્દ્ર અને રાઘવ બન્ને ખૂબ જ ગેલ અને મસ્તી કરતાં રહેતા.
રાઘવને લઈ વિરેન્દ્ર શેરીમાં ફરવા નીકળે તો શેરીના કુતરાં તેને જોઈ ડરીને ભસવા લાગતાં. પણ પહેલવાન વનરાજ રાઘવને કોનો ડર લાગે ? લોકો પણ આવા ખુંખાર વનરાજને જોઈ ડરવા લાગ્યા. અંતે જુનાગઢ સુધરાઈમાંથી વિરેન્દ્ર ઉપર ફોન આવ્યો કે, આવા ખૂંખાર હિંસક જાનવરને ખુલ્લામાં શહેરમાં રાખી શકાય નહીં. વિરેન્દ્ર વિચારમાં પડયો? કરવું શું ? તેને રાઘવથી છુટા પડવાનું જરાપણ મન ન હતું, પરંતુ તેના માબાપે પણ સમજાવ્યો, આવા ખૂંખાર સિંહને ગામમાં માણસો વચ્ચે રાખી શકાય નહીં, તેને પ્રાણી સંગ્રહાલયમાં જ રાખવો પડશે.
વિરેન્દ્રએ કચવાતા મને શક્કરબાગના સુપ્રિટેન્ડેન્ટ બારડ સાહેબ સાથે વાત કરી વિનંતી કરી, મને એક દિવસ અઠવાડિયામાં રવિવારે મારા દોસ્ત રાઘવ સાથે રમવાની પરવાનગી આપો. બારડ સાહેબે બન્નેની દોસ્તી અને પ્રેમ જોઈ વિરેન્દ્રને દર રવિવારે બપોરે રાઘવના પિંજરા નં. ૩માં એક કલાક રમવા જવા દેવાની છૂટ આપતો પત્ર લખી આપ્યો.
પિંજરા નં. ૩ માં રાઘવ ધીમેધીમે સેટ થઈ ગયો. પણ તેને તેના મિત્ર વિરેન્દ્રની યાદ સતાવતી હતી. રવિવારે બપોરે ચાર વાગે વિરેન્દ્ર સ્પેશ્યલ પરવાનગી લેટર લઈ પિંજરા નં.૩ માં ગયો, તેને જોઈને રાઘવ પૂંછડી પટપટાવા લાગ્યો. તેની પ્રેમભરી નજર અને હાવભાવ જોઈ રાઘવ ખુશ થઈ તેની સાથે રમવા લાગતો. બન્ને પહેલાંની જેમ જ એક કલાક મોજ મસ્તી કરી છૂટા પડતાં. આ દર રવિવારનો ક્રમ થઈ ગયો.
વિરેન્દ્ર ગ્રેજ્યુએટ થઈ જતાં તેણે નોકરી માટે ટ્રાય ચાલુ કરી. તેની રેન્ક અને કેરિયર ખૂબ સારી હોવાથી તેને દુબઈના મોલમાં આકર્ષક પગારથી નોકરી મળી ગઈ. ત્રણ વરસના કોન્ટ્રેક્ટ પર તે દુબઈ પહોંચી ગયો. ત્યાં તેને મિત્ર રાઘવની યાદ બહુ સતાવતી રહી. અહીં રાઘવ પણ પિંજરાની બહાર દૂર સુધી પોતાના જિગરી મિત્રને યાદ કરી ગર્જના કરતો રહ્યો, પણ દુબઈથી આવવું સરળ ન હતું. ત્રણ વરસે એક મહિનાની રજા મળતા વિરેન્દ્ર જુનાગઢ પહોંચી ગયો. તેના માતાપિતા હવે તેના લગ્ન માટે કન્યા જોવાની તૈયારી કરવા લાગી ગયા. વિરેન્દ્ર તો બીજા દિવસે રવિવારે તેના મિત્ર રાઘવને મળવા તલપાપડ હતો.
રવિવારે બપોરે તેણે પ્રાણીબાગના પિંજરાના રખેવાળને અનુમતિ પત્ર બતાવી પિંજરા નં.૩માં જવાની પરવાનગી માગી. લેખિત પત્ર હતો, એટલે રખેવાળ તેને ડાલામથ્થા સિંહ સામે લઇ આવ્યો, અને પિંજરું પાછળથી ખોલી આપ્યું.
વિરેન્દ્ર પ્રેમભરી નજરે બુચકારા ભરતો સિંહ પાસે ધીમેથી પહોંચી રાઘવ, રાઘવથી પુચકારવા લાગ્યો. વિકરાળ સિંહે પ્રેમભરી નજર અને પ્યારા પુચકારાથી પૂંછડી પટપટાવા લાગ્યો. વિરેન્દ્ર ખુશ થઇ ગયો, વાહ! રાઘવ મને ત્રણ વરસે પણ ઓળખી ગયો. બન્ને પહેલાની જેમ સાથે રમવા લાગ્યા. વચ્ચે વચ્ચે સિંહ ગર્જના કરતો, પણ તેની સાથે રમતો રહ્યો. સક્કરબાગના પ્રવાસીઓ આ બન્નેની દોસ્તી અને પ્રેમભરી રમતોથી તાજુબ થઇ જોતા રહી ગયા. વાહ, અજબ દોસ્તી છે!
કલાક પૂરો થતાં વિરેન્દ્ર ખુશ થતો બહાર આવ્યો અને સુપ્રિટેન્ડેન્ટને આભાર કહેવા તેની ઓફિસે ગયો. પણ ત્યાં તો બારડ સાહેબની બદલી થઇ ગઈ હતી, અને જોષી સાહેબ હતા.
'આભાર જોષી સાહેબ રાઘવ સાથે રમવાની બહુ મજા પડી.' વિરેન્દ્રએ કહ્યું.
'કોણ રાઘવ ? તેને તો ગયા વરસે વાઈરલ ઇન્ફેકશન થતાં મરી ગયો હતો.' સાહેબને નવાઈ લાગી. 'પિંજરા નં.૩ માં હું તેની સાથે તો એક કલાક રમીને આવ્યો.' વિરેન્દ્રને પણ નવાઈ લાગી.
'અરે ! તેમાં તો નવો શ્યામ નામનો સિંહ છે. તમે તેની સાથે રમી આવ્યા ?' જોષી સાહેબ આશ્ચર્ય પામી ગયા, 'હેં !! હું નવા જ વિકરાળ શ્યામના પિંજરાની અંદર ગયો હતો?' કહેતા વિરેન્દ્ર ઉભો થઇ ગયો. તેને પસીના છૂટવા લાગ્યા. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તો પછી શ્યામે મને ફાડી કેમ ન ખાધો ?? વિચારતાં તે કાપવા લાગ્યો. જોષી સાહેબને નવાઈ લાગી.
'ચાલો, પિંજરા નં.૩માં શ્યામ પાસે.'
'મને તો બહુ જ ડર લાગે છે. તેણે મને કેમ કઈ ન કર્યું, તે વિચારતાં ધ્રુજારી છૂટે છે.' વિરેન્દ્રએ ગભરાતાં કહ્યું.
શ્યામની સામે આવતા તે ડરથી ધ્રુજીને નીચું જોઈ ગયો. જંગલી હિંસક જાનવરો તેનાથી ડરતાં પ્રાણીઓને વધુ ડરાવી ફાડી ખાય છે. શ્યામે ગર્જના કરી કુદકો માર્યો. પિંજરાના સળીયા સાથે અથડાઈ પછડાયો. વિરેન્દ્ર પરસેવાથી રેબઝેબ થઇ દોડવા લાગ્યો.
આખા સક્કરબાગના તમામ પ્રાણીઓ શ્યામની ત્રાડો અને કુદકાથી ગભરાઈ ગયા. અરે ! હજુ દશ મિનીટ પહેલા તો આ માણસ સાથે સિંહ ગેલ કરી રહ્યો હતો, અચાનક આ શું થયું ?
જોષી સાહેબ પણ વિચારમાં પડી ગયા. શ્યામે તેને ફાડી કેમ ન ખાધો? પણ તેને પ્રેમભરી નજર અને ચહેરાના વહાલની ક્યાં ખબર હતી ??
લાસ્ટ સ્ટ્રોક
પ્રેમભરી નજર અને ચહેરો સિંહ જેવા ખુંખાર પ્રાણીને પણ નરમ પાડી દે છે. તો માણસોને જીતવામાં પણ ઉપયોગ કરો ને! ગમે તેવો ક્રૂર અને દુષ્ટ માણસ પણ નરમ થઇ જશે.