Home / : Cancer treatment likely to become easier

Shatdal: કેન્સરની સારવાર સરળ બનવાના આસાર

Shatdal: કેન્સરની સારવાર સરળ બનવાના આસાર

- ટોપ્સીટર્વી

- કોઇ પણ ચેપ સામે લડતા ટી સેલ્સ આ દવાઓની સહાયથી કેન્સરની ગાંઠને શોધી કાઢવામાં પણ સફળ થાય છે

દુનિયાભરના કરોડો લોકો એક યા બીજા કેન્સરથી રિબાતા રહ્યા છે. કીમોથેરપી, શસ્ત્રક્રિયા વગેરે સારવાર અત્યારે ઉપલબ્ધ છે. જો કે આ સારવાર જબરદસ્ત આડઅસર (સાઇડ ઇફેક્ટ્સ)થી ભરપુર છે. ઉપરાંત આ સારવાર ખૂબ ખર્ચાળ છે. ભલભલા સુખી પરિવારને આ સારવારનો ખર્ચ ક્યારેક દરિદ્ર બનાવી દે છે. દર્દીની સાથે એનો પરિવાર પણ રિબાતો રહે છે. મોટાભાગના કિસ્સામાં કેન્સરના નામ માત્રથી માણસ અધમૂવો થઇ જાય છે. હવે એવા લોકો માટે રાહતના સરસ સમાચાર આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુનિવર્સિટી આફ કેલિફોર્નિયા, લોસ એંજલિસ (યુસીએલએ)ના સંશોધકોએ વરસોની તપસ્યા પછી એવું શોધી કાઢયું છે કે માણસનો મૂડ સુધારતી કે હતાશા-ડિપ્રેશનની સારવાર કરતી કેટલીક ઔષધિઓ કેન્સરની ગાંઠ ઓગાળવામાં સહાયક નીવડે છે. યુસીએલએના એલી એન્ડ એડિથ બ્રોડ સેન્ટર આફ રિજનરેટિવ મેડિસિન એન્ડ સ્ટેમ સેલ્સ રિસર્ચ સેન્ટરના વિજ્ઞાનીઓ છેલ્લાં કેટલાંક વરસોથી આ દિશામાં સંશોધન કરી રહ્યા હતા. આ ટીમના આગેવાન ડૉક્ટર લીલી યાંગે આ વિશે થયેલાં સંશોધનની વિગત સરળ શબ્દોમાં આપી હતી. એમણે આપેલી સમજુતીનો સાર આ લેખ રૂપે પ્રગટ કર્યો છે.

કોઇ વ્યક્તિનો મૂડ ગમે ત્યારે બદલાઇ જતો હોય કે કોઇ વ્યક્તિ ઘેરી હતાશા (ડિપ્રેશન)નો ભોગ બની હોય ત્યારે મોટે ભાગે ડોક્ટરો એને એસએસઆરઆઇ (સિલેક્ટિવ સેરોટોનીન રે-ઉપટેક ઇનહિબિટર્સ) તરીકે ઓળખાતી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે. આવી કેટલીક દવાઓ કેમિસ્ટની દુકાનમાં પ્રોઝેઇક અને સેલેક્સા જેવાં બ્રાન્ડ નામથી મળતી હોય છે. આ દવાઓ થોડા કલાકો માટે જે તે દર્દીના મૂડમાં સુધારો કરે છે. ડિપ્રેશન હોય એવા લોકો આ દવાઓથી થોડી હળવાશ અનુભવે છે. જો કે કયા દર્દીએ આ દવાના કેટલા ડોઝ ક્યાં સુધી લેવા એ ડોક્ટર નક્કી કરે છે. 

ડોક્ટર લીલી યાંગ અને તેમની સંશોધક ટીમે એવું શોધી કાઢયું હતું કે મૂડ સુધારતી કે ડિપ્રેશનમાં રાહત આપતી આ દવાઓ કેન્સરની ગાંઠ સામે લડતા ટી સેલ્સને મદદ કરે છે. ટી સેલ્સ એટલે આપણા શરીરમાં પ્રવેશતા ચેપ સામે લડતા શ્વેતકણો. લોહીમાં રક્તકણો અને શ્વેતકણો એમ બે પ્રકારના કણ હોય છે. આ શ્વેતકણો બહારથી શરીરમાં ઘુસી રહેલા કે પ્રવેશી ગયેલા ચેપ સામે લડે છે. એસએસઆરઆઇ ગ્રુપની દવાઓ આ શ્વેતકણને આનંદિત કરે છે. કહો કે એમને પ્રોત્સાહિત કરે છે કે ચેપ સામે લડતા રહો. અમે તમારી સાથે છીએ. પોલિટિશ્યનોની ભાષામાં આ દવાઓ ટી સેલ્સને કહે છે કે આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈં...

પરિણામે કેન્સરની ગાંઠ સામેનો પ્રતિકાર ઉગ્ર બને છે અને વગર શસ્ત્રક્રિયાએ કે કીમોથેરપીએ ગાંઠ ઝડપથી ઓગળતી થાય છે. આ સંશોધન દ્વારા મળેલી માહિતીનો પ્રયોગ ડોક્ટર યાંગ અને એમની ટીમે પહેલાં ઉંદર ઉપર અને ત્યારબાદ કેન્સરના એક રોગી પર કર્યો હતો. એમાં એમને સફળતા મળી હતી. તેથી ઉત્સાહિત થઇને ડોક્ટર યાંગે મિડિયા સાથે આ સંશોધનની વાત કરી હતી. ડોક્ટર યાંગે કહ્યું હતું કે આ દવાઓ માણસના દિમાગને ખુશ કરવા ઉપરાંત કેન્સરની ગાંઠને ઓગાળવામાં ટી સેલ્સને સહાય કરે છે. કોઇ પણ ચેપ સામે લડતા ટી સેલ્સ આ દવાઓની સહાયથી કેન્સરની ગાંઠને શોધી કાઢવામાં પણ સફળ થાય છે.

સામાન્ય રીતે સેરોટોનીન મગજમાં બનતું એક રસાયણ છે. ખરેખર તો એક હોર્મોન છે. એ માણસના મૂડ, ભૂખ, ઊંઘ, જાતીય વૃત્તિ ઉપરાંત યાદશક્તિ તેમજ વ્યક્તિની શીખવાની ક્ષમતાને નિયંત્રિત કરે છે. માણસના મૂડ અને હતાશાને દૂર કરવા માટે જે ઔષધો (પ્રોઝેક કે સેલેક્સા જેવાં) આપવામાં આવે છે એ સેરોટોનીનની પૂર્તિ કરે છે એટલે દિમાગમાં સેરોટોનિન હોર્મોન ઓછાં હોય તો આ ઔષધો એ પૂરતી સંખ્યામાં વધારે છે એમ સરળ ભાષામાં કહી શકીએ.

આ લેખના તમામ વાચકોને નમ્ર વિનંતિ. આ સંશોધન હજુ અમેરિકા પૂરતું છે. એનો વ્યાપક ઉપયોગ હજુ શરૂ થયો નથી. ભારત પાકિસ્તાન જેવા એશિયાઇ વિકાસશીલ દેશો સુધી આ સંશોધનના નક્કર પરિણામો આવતાં બીજાં પંદર વીસ વરસ લાગી શકે છે. આ લેખ વાંચીને કોઇએ પોતાની મેળે પ્રયોગ કરવા નહીં. અત્યારે આ સારવાર મોંઘી પણ હોઇ શકે છે. આપણા સુધી આવતાં આવતાં કદાચ એ સૌને પરવડે એવી થઇ શકે છે. આ લેખ કેન્સરની સારવારમાં થયેલા ક્રાન્તિકારી કહી શકાય એવા સંશોધનની ઝલક આપવાનો રહ્યો છે.

-અજિત પોપટ
Related News

Icon