
- ટોપ્સીટર્વી
- કાંગારુના આગલા બે પગમાં લુહારના વજનદાર હથોડા જેવી તાકાત હોય છે
ક્રિકેટની દુનિયામાં ઓસ્ટ્રેલિયન ટીમને ઘણીવાર હેતથી કાંગારુ ટીમ એવું સંબોધન કરવામાં આવે છે. લગભગ આખી દુનિયામાં કાંગારુ તરીકે ઓળખાતું પ્રાણી ફક્ત ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે. આગલા પગ ટૂંકા અને પાછલા પગ લાંબા હોવાથી આ પ્રાણી ઠેકડા મારીને ચાલતું હોય છે. એના રમતિયાળ સ્વભાવને કારણે બાળકોને આ પ્રાણી ખૂબ ગમે. દુનિયાભરનાં બાળકો ઝૂમાં કાંગારુ સાથે રમવા તડપતાં હોય છે. પાળેલા કૂતરાની જેમ કાંગારુને પણ ગરદન પર હેતથી હાથ ફેરવો એ ખૂબ ગમે. એ ચૂપચાપ તમારા પ્રેમને ઝીલ્યા કરે. આ શાકાહારી જીવ ભાગ્યે જ કોઇ પર હુમલો કરે. છતાં અપવાદ રૂપ ઘટના પણ બની શકે.
એવો એક આઘાતજનક બનાવ ચાલુ મે મહિનાની નવમીએ બની ગયો. અમેરિકામાં આવેલા સાઉથ કેરોલિનામાં આવેલા એક ફાઇવ સ્ટાર ઝૂમાં રાતા કાંગારુએ ઝૂના એક કર્મચારીને મારી નાખ્યો. આ બનાવે સાઉથ કેરોલિનામાં સારી એવી ચકચાર જગાડી હતી.
ખરું પૂછો તો આ કહેવાતો કર્મચારી ઝૂના માલિકનો સગ્ગો ભાઇ હતો. સાઉથ કેરોલિનાના લોરિસ નામના વિસ્તારમાં આ ઝૂ આવેલું છે. આ પ્રાઇવેટ ઝૂ સાઉથ કેરોલિનામાં ખૂબ પ્રખ્યાત છે અને લગભગ દર વીક એન્ડમાં અહીં ભારે ભીડ જોવા મળે છે. ઝૂના માલિકનો સગ્ગો ભાઇ નામે એરિક સ્લેટ બાવન વર્ષનો હતો. એ નિયમિત કાંગારુના પિંજરામાં જતો અને કાંગારુને ખવડાવતો. આ ઝૂમાં ડઝનબંધ કાંગારુ છે. કેટલાક સાવ નાનકડા કાંગારુ છે જેને વાલાબી તરીકે ઓળખવામાં આવે છે. એક બે કાંગારુ કદમાં ખાસ્સા મોટા છે અને એમની ઊંચાઇ પણ બાળ કાંગારુ કરતાં વધારે છે.
એરિક નિયમિત આ કાંગારુના પિંજરામાં જતો એટલે એ ગમે ત્યારે પિંજરામાં દેખાય તો કોઇને નવાઇ નહોતી લાગતી. અહીં એક વાત સમજવા જેવી છે. કૂતરા, વાઘ, વરુ કે સિંહ જેવા વન્ય પશુઓ કાં તો પોતાના અણીદાર નખથી સજેલા પંજા વડે હુમલો કરે અથવા ધારદાર છરી જેવા દાંતથી પોતાના શિકારની ગરદન પર તૂટી પડે. કાંગારુ પાસે એવા નખદાર પંજા કે દાંત હોતા નથી. એના શરીરની તાકાત એના આગલા પગમાં હોય છે. એ કોઇની ઉપર ગુસ્સે થાય અથવા કોઇના પર હુમલો કરવા ઇચ્છે તો પાછલા બે પગે અદ્ધર થઇને આગલા બે પગ શિકારની છાતી પર ઠોકી દે. અભ્યાસીઓ કહે છે કે કાંગારુના આગલા બે પગમાં લુહારના વજનદાર હથોડા જેવી તાકાત હોય છે.
હવે એરિક સ્લેટ પરના હુમલાની વાત. એરિક નિયમિત કાંગારુના પિંજરામાં જતો અને નાનામોટા કાંગારુની ગરદન પર હાથ ફેરવતો. કાંગારુ ડાહ્યાડમરા ઊભા રહીને એ પ્રેમ ઝીલતા. તો પછી એવું તે શું બન્યું કે વડા કાંગારુએ પોતાના આગલા પગ વડે એરિક પર હુમલો કર્યો? ઝૂના માલિકે જે વડા કાંગારુનું નામ જેક લુપાડયું હતું એ જેકે પોતાના આગલા પગ વડે એરિક પર હુમલો કર્યો એટલું જ નહીં, એને રીતસર છૂંદી નાખ્યો. એની છાતી પર ડઝનબંધ ઘા હતા. નવમી મેએ શુક્રવારે એનો મૃતદેહ અન્ય કર્મચારીઓએ જોયો એટલે તરત બૂમાબૂમ કરી. એરિકનો મોટોભાઇ એટલે કે ઝૂનો માલિક દોડતો આવ્યો. એણે પણ એરિકને જોયો.
તરત એમ્બ્યુલન્સ મંગાવાઇ. એરિકને હોસ્પિટલમાં લઇ જવાયો જ્યાં ડોક્ટરોએ એનું મરણ થોડા કલાકો પહેલાં થયું હોવાનું નિદાન કર્યું. દેખીતી રીતે જ સમગ્ર ઝૂમાં અને સ્લેટ પરિવારમાં આઘાત અને શોકનું મોજું ફરી વળ્યું. પોલીસ તેમજ મિડિયાને મૂંઝવતો પ્રશ્ન એ હતો કે એરિક અને વડા કાંગારુ વચ્ચે એવું તે શું બન્યું કે એરિક જેવા અતિ પરિચિત અને રોજ સવારસાંજ ભોજન કરાવતા માનવી પર કાંગારુએ હુમલો કર્યો. કાંગારુ સામાન્ય રીતે ભીરુ અને રમતિયાળ પ્રાણી છે. એ ભાગ્યે જ કોઇ પર હુમલો કરે. જવલ્લેજ આવી ઘટના બને એટલે સાઉથ કેરોલિનાના મિડિયામાં આ ઘટનાએ સારી એવી ચકચાર જગાડી.
- અજિત પોપટ