
- 21 મે : આંતરરાષ્ટ્રીય ચા દિવસ
- સેલિબ્રેશન
- બે હજાર જેટલા ચ્હાના પાંદડા ભેગા કરવામાં આવે ત્યારે એક પાઉન્ડ એટલે કે 0.450 કિલો જેટલી જેટલી ચા બને છે
'તારા વિના મારી સવાર જ પડતી નથી...બપોરના પણ તારી સાથે મુલાકાત થાય નહીં તો અધૂરું લાગે છે...એટલું જ નહીં દિવસ દરમિયાન ટેન્શન-સ્ટ્રેસ વધી જાય તો પહેલું કોઇ યાદ આવે તે તું જ છે...મિત્રો સાથેના ગપ્પા હોય કે ઓફિસ મીટિંગમાં બ્રેઇનસ્ટ્રોમિંગ તારી હાજરી તો જોઇએ જ....આમ તો તું મોસમની મોહતાજ નથી પણ ચોમાસાની સિઝન તો તું ઓર વહાલી લાગે...'
***
ના, આ કોઇ પ્રેમીએ પ્રેમિકાને લખેલા મેસેજના અંશ નથી.પરંતુ ચા માટે તેના ચાહકે વ્યક્ત કરેલા ચાહત ભરેલા શબ્દો છે. એક વખત એવું બન્યું કે,ભક્તની વર્ષો જૂની તપસ્યાથી ઈશ્વર પ્રસન્ન થયા.ઈશ્વરે ભક્તને કહ્યું કે,'ભક્ત, તારી તપસ્યાથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. માંગ...માંગ.. માંગે તે આપું...', ભક્તે કહ્યું 'પ્રભુ...અમારા જેવા માનવીઓ પાસે આમ બધું જ છે. પરંતુ સવાર પડતાં જ મગજમાં સ્ફૂર્તિ આવતી નથી,બપોર સુધીમાં કામ કર્યા બાદ મગજ ખૂબ જ થાકી જાય છે...શિયાળા અને ચોમાસામાં જેની એક ચુસ્કી તન-મનમાં હૂંફ આપી જાય એવી કોઇ જડીબુટ્ટી હોય તો આપવા માટે નમ્ર વિનંતી છે...' ઈશ્વરે સ્મિત સાથે ભક્તના હાથમાં એક ઔષધ આપ્યું અને કહ્યું કે,'હે ભક્ત...હું તને ચા નામનું ઔષધ આપું છું,જે તારી આ બધી જ ઇચ્છા પૂર્ણ કરશે...તથાસ્તુ...' ઇશ્વર અને માનવી વચ્ચેનો આ સંવાદ ભલે કાલ્પનિક હોય.પરંતુ,પૃથ્વી પર ચા નામનું 'ઔષધ' આપતી વખતે ઇશ્વરે તેના અંગેની આવી જ કંઇક લાક્ષણિક્તા વિચારી હશે. આપણામાંથી મોટાભાગના લોકો માટે ચા પીવી તે દિનચર્યાનો એક ભાગ બની ગયો છે.ચીન આપણા દેશ સાથે ભલે વારંવાર અવળચંડાઇ કરતું હોય પણ ચાની શોધ માટે આપણે તેનો આભાર માનવો જ પડે.ઈ.સ. પૂર્વ ૨૭૩૨માં ચીનના રાજા શેન નાંગે જ ચાની શોધ કરી હતી તો તેમના પ્રત્યે ચાના શોખીનોનો આદર વધી જાય તે સ્વાભાવિક જ છે.આજે ચા આપણા દેશનું 'બિનસત્તાવાર રાષ્ટ્રીય પીણું' બની ગઇ છે. મજાની વાત એ છે કે ભારતમાં બ્રિટિશરો ચા લાવ્યા હતા અને તે અગાઉ આપણા દેશમાંથી કોઇએ પણ આ પીણાનો સ્વાદ સુદ્ધા નહીં માણ્યો હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.ભારત ઉપરાંત ચીન,જાપાન,બાંગલાદેશ,પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં પણ ચા ખૂબ જ લોકપ્રિય છે.સદીઓ અગાઉ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે કેટલાક બૌદ્ધ ભિક્ષુઓ જાપાન ગયા હતા અને જાપાનમાં તેમણે ચાનું ચલણ શરૂ કરાવ્યું હતું.બૌદ્ધ ભિક્ષુઓએ જાપાનની પ્રજાને એમ સમજાવ્યું કે, ભગવાન બુદ્ધ પાંચ વર્ષની તપસ્યાના પાંચમાં વર્ષે જાગૃત રહેવા માટે ચાના વૃક્ષના પાંદડા ચાવી ગયા હતા.
ચીનમાં કોઇ હોટેલમાં ભોજન માટે જવાનું થાય ત્યારે ત્યાં તમારું સ્વાગત ચાથી કરવામાં આવે છે. આ પાછળ ચીનાઓનો તર્ક એવો છે કે ચા પીવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત ચીનમાં લોકો બિમાર પડે ત્યારે ચા પીવાનું પ્રમાણ વધારી દેતા હોય છે. જેની પાછળ તેમનું એમ માનવું છે કે ચામાં રોગપ્રતિકારક શક્તિના તત્વો છે.
અલગ-અલગ દેશમાં અલગ પ્રકારે ચા પીવામાં આવે છે. જેમકે, ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીવાની કલ્પના પણ થઇ શકતી નથી. ચીનમાં ગ્રીન ટી વધારે પીવામાં આવે છે, ઇટાલીમાં લોકો લેમન જ્યુસ નાખીને ચા પીવાનું પસંદ કરે છે .
આપણે ત્યાં ગુજરાતમાં કેટલાક શહેરના ચાની કિટલી ખૂબ જ લોકપ્રિય છે જ્યાં લોકો મિત્રો,સહકર્મીઓ સાથે સુખ,દુ:ખ વહેંચતા હોય છે.ગુજરાતમાં બાર ગાઉએ બોલી બદલાય તેમ ચા બનાવવાની શૈલી પણ બદલાય છે.સૌરાષ્ટ્રમાં લાલ રંગની કડક-બાસુંદીની નાની બહેન લાગે તેવી ગળી ચા વધુ પસંદ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં ચાની સોડમને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે.
અલગ-અલગ દેશમાં અલગ પ્રકારે ચા પીવામાં આવે છે. જેમકે, ઇંગ્લેન્ડમાં ચાને ઉકાળતા નથી અને આપણે ત્યાં ઉકાળ્યા વિના ચા પીવાની કલ્પના પણ થઇ શકતી નથી.ચીનમાં ગ્રીન ટી વધારે પીવામાં આવે છે,ઇટાલીમાં લોકો લેમન જ્યુસ નાખીને ચા પીવાનું પસંદ કરે છે .ચા મોટાભાગના લોકોનું મનગમતું પીણું છે. પરંતુ ચાની કેટલીક ખાસિયતોથી આપણે વાકેફ નહીં હોઇએ. બે હજાર જેટલા ચ્હાના પાંદડા ભેગા કરવામાં આવે ત્યારે એક પાઉન્ડ એટલે કે ૦.૪૫૦ કિલો જેટલી જેટલી ચા બને છે. સમગ્ર વિશ્વમાં ૩ હજાર જેટલી વિવિધ પ્રકારની ચા છે. વિશ્વમાં પાણી બાદ કોઇ પીણું સૌથી વધુ પીવાતું હોય તો ચા છે. દરરોજ અંદાજે ૩૦૦ કરોડ કપ જેટલી ચા પીવાતી હોય છે. હવે વાત બપોરે ચા પીવાની શરૂઆત કેવી રીતે થઇ તેની. થયું એમ કે, ૧૮૮૦ના દાયકામાં ડચની રાજકુમારી એના બેડફોર્ડને બપોરના આરામ બાદ સુસ્તી અનુભવતી. તેને બપોરના હળવા નાસ્તા સાથે કંઇ એવા પીણાંની જરૂર અનુભવાઇ કે જેનાથી સ્ફૂર્તિ આવી જાય. જેના કારણે બપોરે ચા પીવાની શરૂઆત થઇ. ધનાઢય પરિવારોમાં બપોરે ૪ થી ૫નો સમય ચા-નાસ્તા માટે ફિક્સ થઇ ગયો.આપણે આજકાલ હાઇ-ટી શબ્દનો ઉપયોગ કરીએ છીએ તે તેના પરથી આવ્યો છે.હાઇ-ટી એટલે હાયર ક્લાસને પીરસવામાં આવતા ચા-નાસ્તો.ટેસ્ટ ક્રિકેટમાં ટી બ્રેકની શરૂઆત ઇંગ્લેન્ડ નહીં પણ ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવી. ૧૮૮૧-૮૨માં ઇંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે હતી ત્યારે ખૂબ જ ગરમી લાગતાં ખેલાડીઓ લંચના બે કલાક બાદ બ્રેક લેવાનું શરૂ કર્યું.એ વખતે ખેલાડીઓને ટી બ્રેક વખતે ડ્રેસિંગ રૂમમાં જવા મળતું નહીં.પરંતુ ચા અને નાસ્તા સાથે વેઇટ્રેસ જ ગ્રાઉન્ડ પર આવતી. ૧૯૦૫માં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જો ડાર્લિંગના સૂચન બાદ ખેલાડીઓને ટી બ્રેકમાં ડ્રેસિંગ રૂમની અંદર જવાની મંજૂરી મળી.હવે વિજ્ઞાાને કહેલી ચાના ગુણદોષની વાત જોઈએ તો ચામાં વિટામીન-સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે ખાસ કરીને લીલી ચામાં વધુ.વિટામીન-સી રોગ સામે લડવાની પ્રતિકાર શક્તિ આપે છે,વૈજ્ઞાાનિકોના મતે ચાનું સત્વ,લોહીનું કેન્સર,વિકિરણજન્ય અન્ય રોગો મટાડવામાં કારગત નીવડે છે.ચામાં વિટામીન બી પણ છે. જેમાં ફોલસિન મુખ્ય છે. નિષ્ણાતો હોજરીના રોગો,આંતરડાના રોગો,મગજની નસ બ્લોક થવી,રક્ત નળીઓ બરડ થઈ જવા જેવા રોગોમાં લીલી ચા ઉપયોગી બને છે, એવા પ્રયોગ થયા છે. ચા ચામડીને તંદુરસ્ત રાખે છે. તથા પ્રસ્વેદ તંત્રને નિયમિત રાખે છે.
ચામાં વિટામીન પી અને કે પણ રહેલાં છે.સંશોધકોનું કહેવું છે કે કોફી પીનારા વર્ગ અને ચા પીનારા વર્ગના જૂથોનું નિરીક્ષણ કે અભ્યાસ કરી તારણ કાઢતાં ચા પીનાર વર્ગમાં ઓછા રોગ જોવા મળ્યા છે. તેઓ એમ પણ માને છે કે,ચરબી યુક્ત પદાર્થો ખાધા પછી ચા પીવામાં આવે તો ચરબી એકઠી થવાનો સંભવ ઘટી જાય છે,એટલે લોહીની નસો ગંઠાવાની બાબતમાં ચા ફાયદાકારક છે.
દુનિયાની વિવિધ પ્રયોગશાળાઓમાં ચાની પત્તીમાં રહેલાં રાસાયણિક તત્વોનું પૃથ્થકરણ કરી સંશોધન કરવાનું હજીયે ચાલુ છે.એક એવું પણ તારણ મળ્યું છે કે,ચામાં રહેલું 'કેટેચિન'તત્વ મુત્રપિંડનો 'નેફ્રાઈટિસ'નામનો રોગ મટાડવામાં ઉપયોગી છે. જો કે વધુ પડતી ચા પીવાથી એસીડીટી થાય છે કે, હોજરીમાં ચાની અસરથી ભૂખ લાગવાની ક્ષમતા પર આડઅસર થાય છે. એવું પણ વૈજ્ઞાાનિકો સ્વીકારે છે. વધુ પડતી ગરમ ચા પીવાથી દાંતના રોગો, મોઢાનું કેન્સર થઈ શકે છે. એવી વાતો પણ તબીબી જગતમાંથી બહાર આવી છે. કારણ ગમે તે હોય ચાના શોખીનો માટે ચા મળી જાય એટલે અઠ્ઠે દ્વારકા..તો એક-એક કપ ચા થઇ જાય...