Home / : You are under arrest Captain

Shatdal : યુ આર અન્ડર એરેસ્ટ કેપ્ટન

Shatdal : યુ આર અન્ડર એરેસ્ટ કેપ્ટન

- ટોપ્સીટર્વી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- પોલીસ અને મિડિયાને એ જાણીને આંચકો લાગ્યો કે બોટમાં આગ લાગી ત્યારે સૌથી પહેલાં કેપ્ટને બોટમાંથી પાણીમાં ઝંપલાવી દીધું હતું

ટોચના ફિલ્મ સર્જક યશ ચોપરાની ફિલ્મ કાલા પથ્થર તમે જોયેલી? ચાસનાલા ખાણ દુર્ઘટના જેવી સત્યઘટના પર આધારિત ફિલ્મ હતી. મલ્ટિકાસ્ટ અને સુપરહિટ નિવડેલી ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન,રાખી,શશી કપૂર,પરવીન બાબી,શત્રુઘ્ન સિંહા,નીતુ સિંઘ-કપૂર,પરીક્ષિત સાહની,પ્રેમ ચોપરા,ઇફ્તિખાર વગેરે કલાકારો એમાં ચમક્યાં હતાં, આમ તો આ ફિલ્મ કોલસાની ખાણમાં થયેલા અકસ્માતને લગતી હતી. એમાં અમિતાભ બચ્ચનનું પાત્ર અલગ પ્રકારનું હતું. આ પાત્ર શરૂથી કોલસાની ખાણના મજૂરનું નહોતું. હકીકતમાં એ એક લક્ઝરી જહાજનો કેપ્ટન હતો. એ જહાજને દુર્ઘટના નડતાં જહાજ અને એમાંના પેસેન્જર્સને રેઢાં મૂકી દઇને કેપ્ટને પોતાનો જીવ બચાવ્યો હતો. 

આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ આવુંજ કંઇ બને ત્યારે કેપ્ટને જહાજની સાથે પોતે પણ જળસમાધિ લેવાની હોય. કેપ્ટન નાસી જઇ શકે નહીં. આ પાત્રે એ નિયમનો ભંગ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. એટલે એની સામે કાયદેસર કામ ચલાવવામાં આવેલું. એને બરતરફ કરવામાં આવેલો. બીજા બધાં તો ઠીક,કેપ્ટનનાં માતાપિતાએ પણ એને હડધૂત કર્યો હતો. એટલે આ પાત્ર શહેરી જીવન છોડીને ખાણ વિસ્તારમાં આવે છે અને બીજા ગરીબ ખાણિયા સાથે પોતે પણ મજૂરી કરે છે. કોલસાની ખાણમાં થયેલી દુર્ઘટના વખતે આ પાત્ર જે બહાદૂરી દાખવે છે એની વિગત કથાનાયિકા રાખી પાત્રનાં માતાપિતાને જણાવે છે. ફિલ્મની પરાકાષ્ઠામાં માતાપિતા આવીને પુત્રને બિરદાવે છે.

આવું ક્યારેક વાસ્તવિક જગતમાં પણ બની જાય ખરું. જો કે તાજેતરમાં જે બનાવ બન્યો એમાં કેપ્ટનની ધરપકડ થઇ એટલી જ વાત છે. અમેરિકામાં બનેલી આ ઘટના તાજી છે. ન્યૂયોર્કના બ્રોન્ક્સ નામના ઉપનગરના આઇલેન્ડ સીટી વિસ્તારમાં બનેલી છે. ગયા મહિનાના પહેલા વીક એન્ડમાં વીસ બાવીસ પર્યટકોએ પાંત્રીસ ફૂટ લાંબી એક વૈભવી બોટમાં દરિયાઇ લટાર મારવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. અમેરિકા યૂરોપમાં શનિ-રવિ લગભગ બધા આઉટીંગમાં નીકળી પડતા હોય છે. સોમથી શુક્ર ખૂબ પરિશ્રમ કર્યો હોય એટલે શનિ-રવિ બહાર નીકળી પડે અને મોજ કરે. ગીત સંગીત અને નૃત્ય સાથે ભાવતી વાનગી અને અલબત્ત શરાબની મોજ પણ ખરી.

જે બોટમાં આ દુર્ઘટના બની એમાં પણ ઉતારુઓ ગીતસંગીત સાથે મોજ કરી રહ્યાં હતાં. નાનાં મોટાં બધાં ઉજવણીના મૂડમાં હતા. મોટી વયના બેચાર ઉતારુ હતા એ શાંતિથી સોફા પર બેસીને સંગીત અને નાચગાનને માણી રહ્યા હતા. અચાનક બોટની પૂ્ંછડી તરફના હિસ્સામાં નાનકડો ધડાકો થયો. ઘોંઘાટિયા સંગીત અને યુવાનોના દેકારામાં કદાચ એ ધડાકો કોઇને સંભળાયો નહીં હોય. પછી આગ ફાટી નીકળી. અચાનક આગ લાગતાં ચારેકોર અફરાતફરી મચી ગઇ. ઘણાએ ગભરાટમાં બોટમાંથી બરફ જેવા ઠંડાગાર પાણીમાં ઠેકડો માર્યો. એક બે જણ ડૂબ્યા પણ ખરા. ખાસ્સું પાણી પી ગયા. એક જણ હજુ ગંભીર છે. જેમને તરતાં આવડતું હતું એ બધા શરીર થીજી જાય એવા કાતિલ ઠંડા પાણીમાં તરતા રહ્યા અને એકબીજાને ઇમોશનલ સપોર્ટ આપતા રહ્યા. એવા તરવૈયા પ્રવાસીઓ સહીસલામત કાંઠે પહોંચી ગયા.

બીજી બાજુ દરિયાઇ પોલીસ, મરીન ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડ પણ દુર્ઘટનાગ્રસ્ત બોટ પાસે પહોંચી ગયા હતા. સદ્ભાગ્યે મોટા ભાગના પર્યટકોને ઊગારી લેવાયા. થોડાક લોકોને નાની મોટી ઇજા થઇ હતી. એ બધાંને હોસ્પિટલ ભેગા કર્યા. એ પછી આ દુર્ઘટનાનું મૂળ જાણવાના પ્રયાસો પોલીસે શરૂ કર્યા. સૌથી પહેલાં તો એ તપાસ શરૂ થઇ કે બોટનો કેપ્ટન ક્યાં છે? પોલીસ અને મિડિયાને એ જાણીને આંચકો લાગ્યો કે બોટમાં આગ લાગી ત્યારે સૌથી પહેલાં કેપ્ટને બોટમાંથી પાણીમાં ઝંપલાવી દીધું હતું. એ તો અનુભવી અને ઉત્તમ તરવૈયો હતો. ચૂપચાપ પોતાને ઘરે પહોંચી ગયો હતો. શાંતિથી જમી કરીને બીઅરની બોટલ લઇને ટેલિવિઝન જોઇ રહ્યો હતો. પોલીસે તત્કાળ એની ધરપકડ કરી.

૩૩ વર્ષનો જોશુઆ બ્રાઇટો નામનો બેઠી દડીનો આદમી આ બોટનો કેપ્ટન હતો. એને પોલીસે બ્રોન્ક્સની ક્રીમીનલ કોર્ટમાં વ્યાવસાયિક ફરજ બજાવવામાં ગુનાહિત બેદરકારી બદલ ગુનેગાર ગણાવીને રજૂ કર્યો.

- અજિત પોપટ

Related News

Icon