માનવ જીવનમાં જીવતત્વ અને શિવતત્ત્વ બન્નેનો મહિમા અનોખો છે. માનવીનાં મનમંદિરમાં શિવતત્વની ભાવના સદા અમર છે. આજના કાળમાં જીવ અને શિવ તત્વનો ભાવાર્થ દરેકે સમજવા જેવો છે. શિવની ઉપાસનમાં જીવ લાગવો તે ધન્યતાની નિશાની છે. તત્વત : જીવ અને શિવ બન્ને એક જ છે. આત્મા તે જ પરમાત્મા છે. જીવ અને શિવ બન્ને દેખી ન શકાય તેવા છે, પરંતુ અનુભવી જરૂર શકાય છે. આપણાં જીવનમાં ઘણીવાર એવી ઘટના બને છે ત્યારે આપણે બોલી ઉઠીએ છીએ કે 'મારો જીવ તો તાળવે ચોટી ગયો.' જીવ અને શિવ બન્ને અજર અમર છે. બન્ને શાશ્વત છે અનંતકાળ સુધી છે. શિવ અજન્મા છે. શિવ કલ્યાણકારી છે. આત્મા પરમાત્મામાં લીન થાય તે ભક્તિની પરાકાષ્ઠાની પહેચાન છે.

