
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોઘલા ગામે સ્લેબ ડ્રેઇન બનાવવાની કામગીરી ચાલે છે. સરસ્વતી કોન્ટ્રાક્ટર દ્વારા સ્લેબ ડ્રેઇનની કામગીરીમાં ગ્રામ પંચાયતના વોટરવર્કસના બોરમાંથી પાણી ચોરી કરીને વાપરવામાં આવે છે. પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે નસવાડી તાલુકામાં કરોડો રૂપિયાના કામો ચાલે છે. તેમાં ગુણવત્તાના જળવાતા અનેક કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે.
તલાટીએ કહ્યું કાર્યવાહી કરીશું
ગ્રામ પંચાયતના સત્તાધીશોને જાણ કરી હોવાનું કોન્ટ્રાક્ટરે જણાવતા આ બાબતે તલાટીને પૂછતાં ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરીને વાપરવામાં આવે છે. તેની સામે પગલાં ભરીશું. જ્યારે ગામમાં પાણીની ઉનાળાના કારણે તંગી છે. વોટરવર્કસના બોરમાંથી પશુઓને પાણી પીવડાવવા માટે બનાવવામાં આવેલ હોજમાંથી કોન્ટ્રાકટર ફ્લોરીમાં પાણી ભરી રહ્યો છે. કોંક્રિટના કામમાં આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અધિકારીઓની નિષ્કાળજીનો નમૂનો
મોઘલા ગામે ચાલતા સ્લેબ ડ્રેઇનની કામગીરીમાં પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ હાજર ના હતા. જયારે ફ્લોરીથી કોક્રિટ બનાવવાની કામગીરી ચાલતી હતી. તેમાં રેતી કપચી સિમેન્ટનું કોઈ પણ વજન વગર કામગીરી કરવામાં આવતી હતી. જયારે સ્લેબ ડ્રેઇનના પિયરની કામગીરીમાં સળિયા પણ નાખવામાં આવ્યા ના હતા. આવા અંધેર વહીવટના કારણે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ અધિકારીઓ હાજર ના રહેતા કામની ગુણવત્તા જળવાતી નથી તેનો આ વરવો નમૂનો છે.