સુરતના પાલનપુર જકાત નાકા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવક ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલકે એવો દાવો કર્યો કે યુવક રાત્રે ટ્રકના પાછળના ટાયર પાસે સુઈ ગયો હતો અને તેને તેનું ધ્યાન ન રહ્યું. પાલનપુર જકાત નાકા વિસ્તારમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો. ટ્રકના ચાલકના કહેવા મુજબ, રાત્રિના સમયમાં અજાણી ઓળખનો એક યુવક ટ્રકના પાછળના ટાયર નજીક સૂઈ ગયો હતો. વહેલી સવારે ટ્રક સ્ટાર્ટ કરીને આગળ ધપાવતાં પાછળના ટાયર યુવકના માથા પર ફરી વળ્યું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે.