Home / World : New modus operandi of online fraud in the name of sending to America

અમેરિકા મોકલવાના નામે ઓનલાઈન ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી, આઈન્સ્ટાઈન વિઝાના નામે છેતરપિંડી

અમેરિકા મોકલવાના નામે ઓનલાઈન ફ્રોડની નવી મોડસ ઓપરેન્ડી, આઈન્સ્ટાઈન વિઝાના નામે છેતરપિંડી

સોશિયલ મીડિયામાં તમે વિદ્વાન સંશોધક છો અને તમારા જેવા સંશોધકોની અમેરિકામાં ખૂબ જ જરુર છે. હવે અમેરિકા ખૂબ જ ઓછા પ્રમાણમાં સંશોધકો અને ઉચ્ચ કક્ષાના પ્રાધ્યાપકોને વિઝા આપે છે અને તેમાં તમે પણ હોઈ શકો છો. તમારા માટે આઈનસ્ટાઈન વિઝા સરળ છે.' આવી કોઈ લોભામણી ઓફર તમને ઓનલાઈન કે ફોન દ્વારા મળી હોય તો ચેતી જજો. સરળતાથી ભારતમાં ગુજરાતના અમેરિકા વાંચ્છુઓને ફસાવવાની આ નવી ટેકનિક બહાર આવી છે. જેને આઈન્સ્ટાઈન વિઝાની ફસામણી સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન ફ્રોડની એક નવી મોડસ એપરેન્ડી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

માર્કેટમાં આઈન્સ્ટાઈન વિઝાના ફ્રોડના કિસ્સાઓ વ્યાપક રીતે ધ્યાનમાં આવ્યા 

ટ્રમ્પ સરકારે 100 દિવસમાં ઈમિગ્રેશનમાં અનેક ફેરફારો કરતાં નવા સ્ટુડન્ટ વિઝા અને H1Bના નિયમો આકરા થતાં માર્કેટમાં આઈન્સ્ટાઈન વિઝાના ફ્રોડના કિસ્સાઓ વ્યાપક રીતે ધ્યાનમાં આવ્યા છે. અમેરિકા દ્વારા ખાસ સંશોધકો અને અભ્યાસુઓ માટે EB-1A વિઝાની કેટેગરીમાં રેરેસ્ટ કેસમાં દેશના હિતમાં જવલ્લેજ અન્ય દેશના નિષ્ણાંતને વિઝા આપવાનો પ્રસ્તાવ છે. આ વિઝાને આઈસ્ટાઈન વિઝા કહેવામાં આવે છે. જેમાં ઈમિગ્રેશન વિભાગ સંશોધનો, એવોર્ડ, રિસર્ચ પેપરની વ્યાપક સ્તરે છણાવટ કરીને દેશની જરુરિયાતને ધ્યાનમાં રાખીને વિઝા આપે છે. 

આધારભૂત પુરાવાઓ માટે 10,000 ડોલરની રકમ લેવામાં આવે છે 

આ વિઝાની કેટેગરીનો ભારતના ફ્રોડસ્ટરો દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને નિર્દોષ લોકોને તેમાં ભોળવવામાં આવી રહ્યા છે. શરુઆતમાં ઈન્ક્વાયરી કરતાં લોકોને તેઓ તમામ રીતે આ આઈન્સ્ટાઈન વિઝા માટે ક્વાલિફાઈડ છે તેવો આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. ત્યારબાદ તેના માટે ખાસ સંશોધન પેપર, એવોર્ડ, થિસિસ અને વિદ્વાન સંશોધક હોવાના આધારભૂત પુરાવાઓ માટે 10,000 ડોલરની રકમ લઈને આખરે કાયમી ધોરણે સંપર્ક બંધ કરી દેવામાં આવે છે. 

અમેરિકા સ્થિત ઈમિગ્રેશન એજન્સીએ ધ્યાન દોર્યું

સોશિયલ મીડિયાની આ જાહેરાતોમાં એવોર્ડ જીતાડવાથી લઈને તેના નક્કી કરેલા પબ્લિકેશનમાં સંશોધનપત્રો છપાવવાની સુધીની બાંહેધરી આપવામાં આવે છે. આ સમગ્ર ખેલમાં એપ્લાય કરનાર થોડાક મહિનાને અંતે વીસ લાખથી ત્રીસ લાખનો ખર્ચ કરીને વિઝા મળશે તેની રાહ જુએ છે અને સમગ્ર સંપર્ક તૂટ્યા બાદ આ ફ્રોડનો અંદાજો આવે છે. 

અમેરિકા સ્થિત ઈમિગ્રેશન એજન્સીએ આ અંગે ખાસ ધ્યાન દોર્યું છે કે જ્યારથી અમેરિકન વિઝા પોલીસી કડક થઈ છે ત્યારથી ભારતમાંથી EB-1A કેટેગરીના વિઝાની એપ્લિકેશન વધી રહી છે. જેની ખરાઈ વધુ જરૂરી છે. અમેરિકન સરકારમાં આ વિઝાનો ક્વોટા ખૂબ મર્યાદિત હોવાથી તેની સ્ક્રૂટીની ઘણી કડક છે પરંતુ ભારતમાં તેને લલચાવવાનું નેટવર્ક વ્યાપક બન્યું છે.

‘આઈન્સ્ટાઈન વિઝા’નું નામ આવું કેમ પડ્યું?

આ વિઝાને સત્તાવાર રીતે EB-1 એટલે કે એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ વિઝાની કેટેગરીમાં આવે છે, જેમાં EB-1, 2, 3, 4 અને 5 સુધીની કેટેગરી છે. જો કે, રાષ્ટ્રીય અને/અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અસાધારણ પ્રતિભા અને સિદ્ધિઓ બદલ પ્રશંસા/સન્માન પ્રાપ્ત કરનાર અતિ પ્રતિભાશાળી લોકોને મળતા વિઝા EB-1 કેટેગરીમાં આવે છે. આવા લોકોમાં નોબેલ, પુલિત્ઝર કે બુકર જેવા પુરસ્કાર વિજેતાઓ, ઓસ્કાર એવોર્ડ વિજેતાઓ, ઓલિમ્પિક મેડલ વિજેતાઓ, શૈક્ષણિક સંશોધકો અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા પ્રોફેસરોનો સમાવેશ થાય છે. મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન આ પ્રકારના વિઝા પર જ જર્મનીથી અમેરિકા ગયા હોવાથી EB-1 વિઝાનું નામ ‘આઈન્સ્ટાઈન વિઝા’ પડી ગયું છે. 

 

Related News

Icon