
ભારતીય સેનાના અધિકારી કર્નલ સોફિયા કુરેશીના સાસરિયાઓ પર હુમલાની સોશિયલ મીડિયા એક્સ પર ખોટી પોસ્ટ શેર કરવા મામલે કર્ણાટકની બેલગાવી પોલીસે એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક્સ એકાઉન્ટ યુઝર અનીસ ઉદ્દીન વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 353(2) હેઠળ જાહેર શાંતિ ભંગ કરનારી પોસ્ટ અને 192(A) હેઠળ રમખાણો કરવાના ઈરાદાથી ઉશ્કેરણીજનક પોસ્ટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા એક્સના અન્ય બે યુઝર સામે પણ ફરિયાદ
આ મામલો સોશિયલ મીડિયા એક્સના અન્ય બે યુઝર્સ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. બંને યુઝરે નકલી પોસ્ટ રીટ્વિટ કરી હતી. પોલીસે કહ્યું કે, આ એકાઉન્ટ યુઝર્સોની ઓળખ કરવામાં આવી રહી છે. બેલગાવીના એસપી ભીમાશંકર ગુલેદે સ્પષ્ટ કહ્યું છે કે, આવી કોઈ ઘટના બની નથી. પોલીસે તપાસ કરતાં, આ પોસ્ટ ભારત બહારની કેનેડાના બ્રિટિશ કોલંબિયાથી કરવામાં આવી હતી.
રાજ્ય અને દેશનું અપમાન : કર્ણાટક ગૃહમંત્રી
કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરે આ ઘટના અંગે કહ્યું કે, ‘બેલગાવી એસપીને કાયદાકીય કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે અને ઘટના અંગે કેન્દ્ર સરકારને માહિતી અપાઈ છે. આવી ઘટનાઓ રાજ્ય અને દેશનું અપમાન છે, જેને સાંખી નહીં લેવાય.’ તેમણે કહ્યું કે, ‘પોલીસની ટીમે સાવધાનીના ભાગરૂપે કર્નલ કુરેશીના સાસરિયા ગોકાક તાલુકાની મુલાકાત કરી છે અને ત્યાં બે પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.