
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સુનીલ ગાવસ્કર આજે (10 જુલાઈ) 76 વર્ષના થઈ ગયા. 'લિટલ માસ્ટર' તરીકે પ્રખ્યાત ગાવસ્કરે ભારતીય ક્રિકેટને એવી ઊંચાઈ આપી કે જ્યાંથી આજે દુનિયાને વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ જેવા ખેલાડીઓ મળ્યા.
જ્યારે ભારત વિદેશી ધરતી પર સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે ગાવસ્કરે એકલા હાથે વિશ્વની શ્રેષ્ઠ બોલિંગનો સામનો કર્યો અને ઘણા રેકોર્ડ બનાવ્યા. તે ટેસ્ટમાં 10 હજાર રન અને 34 સદીનો આંકડો સ્પર્શનાર વિશ્વના પ્રથમ બેટ્સમેન હતા. ગાવસ્કરે પોતાના ક્રિકેટ કરિયરમાં ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે, આજે તેમના જન્મદિવસ પર, ચાલો જાણીએ તેમના 3 રેકોર્ડ વિશે જેને આજ સુધી કોઈ નથી તોડી શક્યું.
સુનીલ ગાવસ્કરના 3 રેકોર્ડ જે આજ સુધી નથી તૂટ્યા
ટીમ માટે સતત સૌથી વધુ ટેસ્ટ મેચ રમ્યા
સુનીલ ગાવસ્કર એકમાત્ર બેટ્સમેન છે જેમણે ટીમ માટે સતત સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. ગાવસ્કરે ભારત માટે સતત 106 ટેસ્ટ મેચ રમી છે. તે ટેસ્ટમાં ટીમ માટે સતત સૌથી વધુ મેચ રમનાર વિશ્વના ચોથા બેટ્સમેન છે. જ્યારે ભારતનો કોઈપણ ખેલાડી સતત આટલી બધી મેચ નથી રમી શક્યો.
ડેબ્યુ સિરીઝમાં સૌથી વધુ રન
ગાવસ્કરે 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યુ સિરીઝમાં 774 રન બનાવ્યા હતા. તે સિરીઝમાં તેમણે 1 બેવડી સદી, 4 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. આ આંકડો હજુ પણ ડેબ્યુ સિરીઝમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.
હેલ્મેટ વિના સૌથી વધુ રન
ગાવસ્કરે એવા યુગમાં બેટિંગ કરી હતી જ્યારે ઝડપી બોલરો ખતરનાક બાઉન્સર ફેંકતા હતા અને હેલ્મેટનો ઉપયોગ નહતો થતો. આ છતાં, તેમણે 10,000થી વધુ રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન તરીકે ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે. તેમણે 1978-79માં વેસ્ટ ઈન્ડિઝ સામે 732 રન બનાવ્યા હતા.