
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ગ્રુપ સ્ટેજ ધીમે ધીમે તેના સમાપન તરફ આગળ વધી રહ્યું છે. ટૂર્નામેન્ટમાં 8 મેચ રમાઈ છે અને સેમીફાઈનલનું ચિત્ર હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ગ્રુપ Aમાંથી ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચી ગયા છે, પરંતુ ગ્રુપ Bમાં હજુ પણ ઘણી શક્યતાઓ છે. ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાનની રોમાંચક જીત બાદ, એક ટીમ આ ગ્રુપમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ બાકીની ત્રણ ટીમો પાસે હજુ પણ તક છે. અફઘાનિસ્તાનની આ જીતથી સેમીફાઈનલ માટેની રેસ અને સમીકરણ રોમાંચક બની ગયા છે.
ગ્રુપ Bની સ્થિતિ
બુધવાર 26 ફેબ્રુઆરીના રોજ લાહોરમાં રમાયેલી મેચમાં, અફઘાનિસ્તાને ખૂબ જ રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને 8 રને હરાવ્યું હતું. આ પરિણામ સાથે, ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું, જ્યારે અફઘાનિસ્તાને પોતાની આશા જીવંત રાખી છે. હવે ગ્રુપ Bમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના 3-3 પોઈન્ટ છે. નેટ રન રેટના આધારે, સાઉથ આફ્રિકા (2.140) પ્રથમ સ્થાને છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (0.475) બીજા સ્થાને છે. અફઘાનિસ્તાન (-0.990) 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
શું અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયા મેચ કરશે નિર્ણય?
હવે પ્રશ્ન એ છે કે સેમીફાઈનલમાં પહોંચનારી ટીમોનો નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવામાં આવશે? આ માટે, હવે બધાની નજર આ ગ્રુપની છેલ્લી બે મેચ પર રહેશે. સૌ પ્રથમ, અફઘાનિસ્તાન 28 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ લાહોરમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ જે પણ ટીમ જીતશે તે સેમીફાઈનલમાં પહોંચશે. પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે અફઘાનિસ્તાનને કોઈપણ કિંમતે જીતવાની જરૂર છે. જો તે આ મેચ હારી જશે, તો તે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે કારણ કે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના 3-3 પોઈન્ટ છે.
બીજી બાજુ, જો ઓસ્ટ્રેલિયા આ મેચ હારી જાય, તો પણ તે રેસમાં રહેશે. પછી તેને બીજા દિવસે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચ પર આધાર રાખવો પડશે. જોકે, ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અહીં પણ સારી નથી કારણ કે સાઉથ આફ્રિકાની નેટ રન રેટ તેના કરતા ઘણી સારી છે. આવી સ્થિતિમાં, ઓસ્ટ્રેલિયા આશા રાખશે કે તે પહેલા જીતે અને જો તેમ ન થાય તો ઈંગ્લેન્ડ કોઈ ચમત્કાર કરશે અને સાઉથ આફ્રિકાને મોટા માર્જિનથી હરાવશે.
સાઉથ આફ્રિકાની સ્થિતિ સૌથી મજબૂત છે
સાઉથ આફ્રિકાની વાત કરીએ તો, અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયા મેચનું પરિણામ પણ તેને સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે. જો ઓસ્ટ્રેલિયા જીતશે તો પણ સાઉથ આફ્રિકા અંતિમ-4માં પહોંચી જશે. છતાં, જો એવું ન થાય, તો તેણે ફક્ત તેની મેચ જીતવી પડશે. જો ઓસ્ટ્રેલિયાની હાર પછી સાઉથ આફ્રિકા પણ જીતવામાં નિષ્ફળ જાય છે, તો ટેમ્બા બાવુમાની ટીમે ખાતરી કરવી પડશે કે તેમની હારનું માર્જીનખૂબ મોટું ન હોય. આમ હાર છતાં, સાઉથ આફ્રિકા સેમીફાઈનલમાં પહોંચી શકે છે અને હાલમાં તેનું સેમીફાઈનલ પહોંચવું નિશ્ચિત લાગે છે.