
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) ને 6 રનથી હરાવીને પહેલીવાર IPL ટાઈટલ જીત્યું. ટાઈટલ જીત્યા બાદ, RCBની ટીમ ઉજવણી કરવા માટે તેના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પરત ફરી. પરંતુ અહીં ભાગદોડ મચી ગઈ, જેમાં 11 લોકો મૃત્યુ પામ્યા અને 33 ઘાયલ થયા. હવે આ ઘટના પર IPL ચેરમેન અરુણ ધુમલે પ્રતિક્રિયા આપી છે.
તેમણે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, "જ્યારે અમને આ પરિસ્થિતિ વિશે ખબર પડી, ત્યારે અમે તાત્કાલિક આયોજકો સાથે વાત કરી. તેઓએ અમને ખાતરી આપી કે તેઓ સેરેમની વહેલી સમાપ્ત કરશે. આ ઘટના ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે."
તેમણે વધુમાં કહ્યું કે, "RCB અધિકારીઓએ કહ્યું કે સ્ટેડિયમની અંદર હાજર લોકો બહારની પરિસ્થિતિથી અજાણ હતા. RCB અધિકારીઓએ મને ખાતરી આપી કે તેઓ હવે સેરેમની સમાપ્ત કરી રહ્યા છે. અંદર હાજર લોકોને બહારની ઘટનાની જાણ નહતી."
https://twitter.com/CricCrazyJohns/status/1930265389667074158
BCCIને જવાબદાર ન ગણી શકાય - ધુમલ
તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે BCCI આ માટે જવાબદાર ન ગણી શકાય. ધુમલે કહ્યું, "આ દુઃખદ અને પીડાદાયક છે. ઉજવણી એક દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. અમારી હૃદયપૂર્વકની સંવેદના તે પરિવાર માટે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા. BCCI માટે, IPL ગઈકાલે રાત્રે સમાપ્ત થઈ ગઈ. અમને આવી કોઈ ઘટના વિશે કોઈ માહિતી નહતી, તો અમને તેના માટે કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય."
મને આ વિશે કોઈ માહિતી નથી - ધુમલ
ધુમલે પૂછ્યું, "આવી ઘટના માટે અમને કેવી રીતે જવાબદાર ઠેરવી શકાય? આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે અને અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. પરંતુ અમને એવી કોઈ વસ્તુ માટે જવાબદાર ન ઠેરવી શકાય જેના પર અમારું કોઈ નિયંત્રણ નહતું. મને ખાતરી નથી કે સ્ટેડિયમની બહાર ભાગદોડ થઈ હતી કે નહીં. મારી પાસે આ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી. શું તમે ગેટ પર કોઈ IPL અધિકારી હાજર જોયો છે, જે ભીડને સંભાળી રહ્યો છે અથવા ખેલાડીઓને પ્રવેશ અપાવી રહ્યો છે?"