
20 જૂનથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ માટે બંને ટીમો ખૂબ તૈયારી કરી રહી છે. ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં 18 ખેલાડીઓની પસંદગી કરવમાં આવી છે. ફાસ્ટ બોલર મુકેશ કુમારને આ ટીમમાં સ્થાન નથી મળ્યું. તેને ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર એક પણ મેચ રમવાની તક નહતી મળી. આ પછી, ઈન્ડિયા-A માટે અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કરવા છતાં, તેને ભારતીય સિનિયરમાં સામેલ ન કરવામાં આવ્યો, જ્યારે હર્ષિત રાણાને તક મળી. હવે સ્થાન ન મળ્યા બાદ, મુકેશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે.
ઈન્ડિયા-A માટે રમતી વખતે સારું પ્રદર્શન કર્યું
મુકેશને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા-A ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો. તેણે ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેમ છતાં તેને બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં રમવાની તક ન મળી. તે ઈન્ટ્રા-સ્ક્વોડ મેચમાં પણ નહતો રમી શક્યો.
હર્ષિત રાણાને તક મળી
બીજી તરફ, ઈન્ડિયા-A માટે અનઓફિશિયલ ટેસ્ટ મેચમાં એક વિકેટ લેનાર હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સામેલ કરવામાં આવ્યો હતો. ઈન્ટ્રા-સ્ક્વોડ મેચમાં તેનું પ્રદર્શન ખાસ નહતું રહ્યું. ભારતીય ટીમમાં હર્ષિતની એન્ટ્રી પછી, મુકેશ કુમારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું કે "કર્મ પોતાનો સમય લે છે. તમારે હંમેશા સાવચેત રહેવું જોઈએ. કર્મ અક્ષમ્ય છે અને હંમેશા બદલો લે છે." સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ માને છે કે મુકેશે આ પોસ્ટ દ્વારા હેડ કોચ ગૌતમ ગભીર અને હર્ષિત રાણા પર નિશાન સાધ્યું છે.
મુકેશ ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે
મુકેશ કુમાર ભારતીય ટીમ માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યો છે. અત્યાર સુધીમાં, તેણે 3 ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ, 6 ODIમાં 5 વિકેટ અને 17 T20I મેચમાં કુલ 20 વિકેટ લીધી છે. તેણે વર્ષ 2023માં ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યુ કર્યું હતું.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર/વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈશ્વરન, કરુણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.