
નેધરલેન્ડસે નેપાળને ટી-20ના ઇતિહાસની સૌ પ્રથમ ટ્રીપલ સુપર ઓવર મેચ બાદ પરાજય આપ્યો હતો. ત્રિકોણીય જંગ કે જેમાં ત્રીજી ટીમ સ્કોટલેન્ડની છે તેવી આ ટુર્નામેન્ટની મેચમાં નિયમિત 20-20 ઓવરમાં ડચ ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 152 રન બનાવ્યા હતા. નેપાળને અંતિમ બોલ પર જીતવા માટે પાંચ રનની જરૂર હતી. આ પછી નંદન યાદવે આખરી બોલે ચોગ્ગો ફટકારતા તેઓનો સ્કોર પણ 152 થતા મેચ ટાઇ થઇ હતી.
પ્રથમ સુપર ઓવર
પ્રથમ સુપર ઓવરમાં નેપાળે 19 રન કર્યા હતા. જવાબમાં ડચનાં મેક્સ ડી'ઓવડે ભારે રોમાંચકતા વચ્ચે કરનની બોલિંગમાં પાંચમા બોલે છગ્ગો અને આખરી બોલે ચોગ્ગો ફટકારતા તેઓએ પણ 19 રન કર્યા હતા. આમ પ્રથમ સુપર ઓવરમાં પણ મેચ ટાઇ પડતા બીજી સુપર ઓવર રમવાની ફરજ પડી હતી.
બીજી સુપર ઓવર
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ગયા વર્ષે બીજી સુપર ઓવર બાદ નિર્ણય આવ્યો હતો. આમ ટી-20 ઇન્ટરનેશનલમાં બીજી સુપર ઓવરમાં મેચ ગઇ હોય તેવી આ બીજી ઘટના હતી. બીજી સુપર ઓવરમાં ડચ ટીમે પ્રથણ બેટિંગ લેતા 17 રન ફટકાર્યા હતા. આ વખતે નેપાળે ટાઇ કરતા 17 રન કર્યા હતા. નેપાળના દિપેન્દ્ર સિંઘ એઇરીએ ક્લેઇનના આખરી બોલે છગ્ગો ફટકાર્યો હતો. આમ બન્ને સુપર ઓવરમાં બન્ને ટીમે વારાફરતી આખરી બોલે બાઉન્ડ્રી નોંધાતા સુપર ઓવર ટાઇ કરી તે પણ અજબ સંયોગ હતો.
ત્રીજી સુપર ઓવર
મેચ આ રીતે ત્રીજી સુપર ઓવરમાં ગઇ અને તે ટી-20ના ઇતિહાસની પ્રથમ મેચ બની કે જે ત્રીજી સુપર ઓવરમાં પહોંચી હતી. જોકે આટલી હદની રોમાંચકતા બાદ ત્રીજી સુપર ઓવરમાં આશ્ચર્યજનક રીતે નેપાળની ટીમ લાયન-કાચેટની બોલિંગમાં એક પણ રન બનાવી શકી નહતી. એક જ રનના ટાર્ગેટ સામે ડચ ટીમના લેવિટે લામિચ્છાનેના પહેલા જ બોલ પર છગ્ગો ફટકારીને નેપાળને આખરે પરાજય આપ્યો હતો. આ ત્રિકોણીય જંગમાં ડચ તેની પ્રથમ મેચમાં સ્કોટલેન્ડ સામે હાર્યું હતું જ્યારે નેપાળે બીજા દિવસે સ્કોટલેન્ડને હરાવ્યું હતું.