
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર શુભમન ગિલે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત સદી સાથે કરી છે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ બાંગ્લાદેશ સામે રમી હતી. આ મેચમાં શુભમન ગિલે સદીની ઈનિંગ રમી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. તેની આ ઈનિંગ રન ચેઝ દરમિયાન આવી હતી. ગિલે ખૂબ જ કાળજીપૂર્વક બેટિંગ કરી અને ટીમનો એક છેડો પકડી રાખ્યો હતો. પોતાની ઈનિંગ દરમિયાન, તેણે મેદાનની ચારે બાજુ રન બનાવ્યા અને ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી.
ગિલે ICC ઈવેન્ટમાં પોતાની પહેલી સદી ફટકારી
શુભમન ગિલે 100 રનનો આંકડો પાર કરવા માટે 125 બોલનો સામનો કર્યો, જેમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તે જ સમયે, શુભમન ગિલે ICC ઈવેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી. આ ઉપરાંત, આ તેની ODI કારકિર્દીની 8મી સદી છે. આ પહેલા તેણે છેલ્લી વનડેમાં ઈંગ્લેન્ડ સામે પણ સદી ફટકારી હતી. એટલું જ નહીં, ગિલે છેલ્લી 4 વનડે ઈનિંગ્સમાં 50થી વધુ રનનો આંકડો પાર કર્યો છે, જે દર્શાવે છે કે તે હાલમાં કેટલા શાનદાર ફોર્મમાં છે.
તમને જણાવી દઈએ કે, શુભમન ગિલે આ મેચમાં 129 બોલમાં અણનમ 101 રન બનાવ્યા અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. આ મેચ વિનિંગ ઈનિંગ સાથે શુભમને એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. તે ભારત માટે સૌથી ઓછી ઈનિંગ્સમાં 8 વનડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 51 વનડે ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો. તેણે 57 વનડે ઈનિંગ્સમાં 8 સદી ફટકારી હતી.
સચિન તેંડુલકરની ખાસ યાદીમાં સામલે થયો
આ સદી સાથે, શુભમન ગિલ સચિન તેંડુલકરની એક ખાસ યાદીમાં પણ જોડાઈ ગયો છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીની ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો છે. આ પહેલા સચિન તેંડુલકર, મોહમ્મદ કૈફ અને શિખર ધવન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. સચિન તેંડુલકરે 1998માં, મોહમ્મદ કૈફે 2002માં અને શિખર ધવને 2013માં પોતાના ડેબ્યુમાં સદી ફટકારી હતી.