
RCB એ વાનખેડે ખાતે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવવામાં 10 વર્ષ બાદ સફળતા મેળવી છે. આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રને હરાવ્યું. મુંબઈ ઈન્ડિયન્સને આ મેચમાં ભલે હારનો સામનો કરવો પડ્યો હોય, પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં છવાઈ ગયો હતો. હાર્દિક પંડ્યાએ મેચમાં બે વિકેટ લેવા ઉપરાંત 15 બોલમાં 42 રનની તોફાની ઇનિંગ રમી હતી. હાર્દિકે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.
જણાવી દઈએ કે હાર્દિકે T20 માં બોલર તરીકે 200 વિકેટ પૂર્ણ કરવામાં પણ સફળતા મેળવી હતી. આ સાથે જ હાર્દિક પંડ્યા T20માં એકમાત્ર ભારતીય ક્રિકેટર બની ગયો છે જેણે 200 વિકેટ લેવા ઉપરાંત 5000થી વધુ રનનો રેકોર્ડ બનાવ્યો છે. હાર્દિક આવી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર છે. જ્યારે વર્લ્ડમાં હાર્દિક T20 માં આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો 12મો ક્રિકેટર છે.
T20 માં 5000 રન અને 200 વિકેટનો ડબલ રેકોર્ડ બનાવનારા ક્રિકેટરો
ડ્વેન બ્રાવો - 6970 રન અને 631 વિકેટ
શાકિબ અલ હસન - 7438 રન અને 492 વિકેટ
આન્દ્રે રસેલ - 9018 રન અને 470 વિકેટ
મોહમ્મદ નબી - 6135 રન અને 369 વિકેટ
સમિત પટેલ - 6673 રન અને 352 વિકેટ
કિરોન પોલાર્ડ - 13537 રન અને 326 વિકેટ
રવિ બોપારા - 9486 રન અને 291 વિકેટ
ડેનિયલ ક્રિશ્ચિયન - 5848 રન અને 281 વિકેટ
મોઈન અલી - 7140 રન અને 375 વિકેટ
શેન વોટસન - 8821 રન અને 343 વિકેટ
મોહમ્મદ હાફીઝ - 7946 રન અને 202 વિકેટ
હાર્દિક પંડ્યા - 5390 રન અને 200 વિકેટ
જણાવી દઈએ કે આ મેચમાં RCBના કેપ્ટન રજત પાટીદારે શાનદાર બેટિંગ કરતા 32 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ પણ 42 બોલમાં 67 રન બનાવ્યા. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 5 વિકેટે 221 રન બનાવ્યા, બાદમાં મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 9 વિકેટે 209 રન જ બનાવી શક્યું. રજત પાટીદારને તેમની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો.