
BCCI એ ઈંગ્લેન્ડના ખેલાડી હેરી બ્રુક સામે કડક કાર્યવાહી કરી અને તેને IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધો. બ્રુકે છેલ્લી ઘડીએ IPLમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન હેરી બ્રુકને IPLમાંથી બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે. બીસીસીઆઈએ આ અંગે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) ને જાણ કરી છે. બીસીસીઆઈની નવી નીતિ હેઠળ, બ્રુક આગામી બે વર્ષ સુધી હરાજીમાં ભાગ લઈ શકશે નહીં. IPL શરૂ થવાના થોડા દિવસો પહેલા તેણે આ લીગમાં ન રમવાનો નિર્ણય લીધો અને પોતાનું નામ પાછું ખેંચી લીધું ત્યારે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
IPL દ્વારા રજૂ કરાયેલા નવા નિયમ મુજબ, "કોઈપણ ખેલાડી જે હરાજી માટે નોંધણી કરાવે છે અને પસંદગી થયા પછી, સીઝનની શરૂઆત પહેલાં પોતાને અનુપલબ્ધ કરે છે, તેને 2 સીઝન માટે ટુર્નામેન્ટ અને હરાજીમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવશે." આ સાથે, આ સ્ટાર બેટ્સમેન સતત બીજા સીઝનમાં IPLમાંથી બહાર થઈ ગયો છે. અગાઉ, તે તેની દાદીના મૃત્યુને કારણે IPL રમી શક્યો ન હતો.
નવેમ્બરમાં યોજાયેલી મેગા હરાજીમાં દિલ્હી કેપિટલ્સે તેને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. છેલ્લી હરાજીમાં પણ તેને દિલ્હીએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, બ્રુકે એક નિવેદનમાં કહ્યું હતું કે, "મેં આગામી IPLમાંથી ખસી જવાનો ખૂબ જ મુશ્કેલ નિર્ણય લીધો છે. હું દિલ્હી કેપિટલ્સ અને તેમના સમર્થકો પાસે મારી બિનશરતી માફી માંગુ છું." IPL 22 માર્ચે શરૂ થશે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ ઈડન ગાર્ડન્સ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. જોકે, દિલ્હી તેની પહેલી મેચ 24 માર્ચે લખનૌ સામે રમશે.