
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી પછી હવે IPL 2025નો 22 માર્ચથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. IPL 2025માં રમનાર 9 ટીમોએ પોતાના કેપ્ટનની જાહેરાત કરી દીધી છે જોકે, એક ટીમ એવી છે જેને હજુ સુધી કેપ્ટન જાહેર કર્યો નથી. દિલ્હી કેપિટલ્સને હજુ સુધી પોતાનો કેપ્ટન મળ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાહુલે IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટન્સી કરવાની ઓફર ફગાવી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ રાહુલ સામે કેપ્ટન્સી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો જેને રાહુલે ફગાવી દીધો છે. હવે દિલ્હી કેપિટલ્સ ટીમની કમાન અક્ષર પટેલને સોપી શકે છે.
અક્ષર પટેલ બની શકે છે કેપ્ટન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલે કેપ્ટન્સીનો પ્રસ્તાવ ફગાવતા કહ્યું કે તે વધુમાં વધુ ખેલાડી તરીકે ટીમ માટે પોતાનું યોગદાન આપવા માંગે છે. કેએલ રાહુલના કેપ્ટન્સી પરથી ઇનકાર બાદ હવે અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે.
દિલ્હી સાથે જોડાયા બાદ રાહુલના કેપ્ટન બનવાની હતી અટકળો
દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને IPL 2025માં મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. રાહુલ પાસે IPLમાં પહેલા પણ કેપ્ટન્સી કરવાનો અનુભવ રહ્યો છે જેને લઇને અટકળો હતી કે આ સિઝનમાં રાહુલ દિલ્હીની કેપ્ટન્સી કરશે. 2020-21માં કેએલ રાહુલ પંજાબ કિંગ્સ અને 2022થી 2024 સુધી તે લખનૌ સુપરજાયન્ટ્સનો કેપ્ટન રહ્યો હતો.
દિલ્હી માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઇ શકે છે રાહુલ
IPLમાં રાહુલ સૌથી કંસિસ્ટન્ટ પરફોર્મન્સ કરનાર ખેલાડીમાંથી એક રહ્યો છે, તેને 2018થી 2024 સુધી IPLની 7 સિઝનમાંથી 6 સિઝનમાં 500 કે તેનાથી વધુ રન બનાવ્યા છે.
રાહુલ કેપ્ટન્સી નહીં કરે તો અક્ષર પટેલનું કેપ્ટન બનવાનું લગભગ નક્કી છે. જોકે, અક્ષર પટેલ પાસે IPLમાં રાહુલ જેવી કેપ્ટન્સીનો વધુ અનુભવ નથી. એક ખેલાડી તરીકે તે બોલ અને બેટથી ખુદને કેટલીક વખત સાબિત કરી ચુક્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે હાર્દિક પંડ્યા મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન છે જો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બને છે તો IPL 2025માં બે ગુજરાતી ખેલાડી ટીમની કમાન સંભાળતા જોવા મળી શકે છે.
IPL 2025માં દિલ્હી કેપિટલ્સની ટીમ
કેએલ રાહુલ (વિકેટકીપર), હેરી બ્રુક, જેક ફ્રેશર મેકગર્ક, કરૂણ નાયર, ફાફ ડુ પ્લેસિસ, ડોનોવન ફરેરા, અભિષેક પોરેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, આશુતોષ શર્મા, દર્શન નાલકંડે, વિપરાજ નિગમ, અજય મંડલ, મનવંથ કુમાર, ત્રીપુર્ણા વિજય, માધવ તિવારી, અક્ષર પટેલ, મિશેલ સ્ટાર્ક, ટી.નટરાજન, મોહિત શર્મા, મુકેશ કુમાર, દુશ્મંથા ચમીરા, કુલદીપ યાદવ