
IPL 2025નો રોમાંચ ચાલી રહ્યો છે. આ વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, IPLની 18મી સિઝનમાં ફિક્સિંગનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. BCCIની એન્ટી કરપ્શન અને સિક્યુરિટી યૂનિટ (ACSU)એ લીગની તમામ 10 ટીમોને ચેતવણી આપી છે. BCCIએ કહ્યું કે, જો કોઇ પણ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે તો તરત જ રિપોર્ટ કરો.
ACSU અનુસાર, ટૂર્નામેન્ટ પર કરપ્શનના વાદળ મંડરાયેલા છે, ફેન બનીને ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ, ટીમના માલિક અને કોમેન્ટેટર્સના પરિવારને મોંઘી ગિફ્ટ દ્વારા લલચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કોણ છે માસ્ટરમાઇન્ડ?
ACSUનું માનવું છે કે હૈદરાબાદનો એક બિઝનેસમેન ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમો સાથે મિત્રતા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જોકે, હજુ સુધી તેનો ખુલાસો થયો નથી.એવા પણ સમાચાર છે કે બિઝનેસમેનનો સટ્ટાબાજો સાથે સીધો સંબંધ છે.
આ રીતે થઇ રહ્યો છે પ્રયાસ
મળતી માહિતી અનુસાર, આ શખ્સ ખુદને એક ફેન્સ બતાવીને ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ અને ફ્રેન્ચાઇઝીના માલિકોની નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કથિત રીતે તેને ટીમની હોટલ અને મેચોમાં પણ જોવામાં આવ્યો છે. તે પોતાના ટાર્ગેટને પ્રાઇવેટ પાર્ટીમાં આમંત્રણ આપી રહ્યો છે.એવી પણ જાણકારી મળી રહી છે કે તે માત્ર ટીમના મેમ્બર્સ જ નહીં પણ તેમના પરિવારોને પણ મોંઘી ગિફ્ટ આપી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર તે ફેન્સ બનીને ખેલાડી, કોચ અને કોમેન્ટેટર્સના પરિવારને જ્વેલરીની દુકાન અને મોંઘી હોટલોમાં લઇ જવાની ઓફર આપે છે. આટલું જ નહીં તેને સોશિયલ મીડિયા દ્વારા વિદેશમાં રહેતા સંબંધીઓનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે.