
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન 18ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા અહીં સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવામાં આવશે જ્યા ભારતીય સશસ્ત્ર દળોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
IPL 2025માં 29 મેથી પ્લેઓફની મેચ શરૂ થઇ જશે. મુલ્લાંપુરમાં 29 મેએ ક્વોલિફાયર-1ની વિજેતા પ્રથમ ફાઇનલિસ્ટ ટીમ બનશે જે અમદાવાદ માટે રવાના થઇ જશે. તે બાદ મુલ્લાપુરમાં 30 મેએ એલિમિનેટર મેચ રમાશે જેને જીતનારી ટીમ ક્વોલિફાયર-2 રમવા માટે અમદાવાદ રવાના થશે અને હારનારી ટીમ બહાર થઇ જશે.
1 જૂને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2 રમાશે જેને જીતનારી ટીમ બીજી ફાઇનલિસ્ટ હશે. IPL 2025ની ફાઇનલ મેચ 3 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પહેલા અહીં સમાપન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી IPL ફાઇનલમાં મનાવવામાં આવશે તેના માટે BCCIએ ખાસ મહેમાનોને આમંત્રણ આપ્યું છે.
ચીફ ઓફ ડિફેન્સ સહિત BCCIએ આ લોકોને આપ્યુ આમંત્રણ
BCCIએ ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરવા માટે સમાપન સમારંભ માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ચીફ ઓફ આર્મી સ્ટાફ, ચીફ ઓફ નેવી સ્ટાફ અને ચીફ ઓફ એરસ્ટાફને આમંત્રણ આપ્યું છે.
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેમાં 26 ભારતીય માર્યા ગયા હતા. તે બાદ ભારતીય સેનાએ 7 મેએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને પાકિસ્તાન અને PoKમાં સ્થિત 9 આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાએ ધ્યાન રાખ્યુ કે તેમાં પાકિસ્તાનની સેના અને ત્યાના નાગરિકોને કોઇ નુકસાન ના થાય પરંતુ તેમ છતા પાકિસ્તાન સેનાએ બોર્ડર પર ફાયરિંગ શરૂ કર્યું અને ડ્રોનથી હુમલા કર્યા હતા. જોકે, ભારતની સુરક્ષા સિસ્ટમે આ ડ્રોનને ઠાર માર્યા હતા.
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને કારણે IPL 2025નું આયોજન એક અઠવાડિયા માટે સ્થગિત કરવુ પડ્યુ હતું જેને 17 મેથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ઘરે પરત ફરેલા મોટાભાગના વિદેશી ખેલાડી IPL રમવા માટે ભારત પરત આવ્યા હતા.
પ્લે ઓફમાં પહોંચી આ ચાર ટીમ
IPL સિઝન 18ના ખિતાબ માટે 4 ટીમ વચ્ચે ટક્કર છે જ્યારે 6 ટીમ બહાર થઇ ગઇ છે. પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ,રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને મુંબઇ ઇન્ડિયન્સ પ્લેઓફમાં રમશે. આજે રમાનાર LSG અને RCB મેચ બાદ નક્કી થશે કે પંજાબ કિંગ્સ સાથે ક્વોલિફાયર 1માં કઇ ટીમ રમશે અને કઇ ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.