
IPLનો અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે આ મામલે ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો છે. ભુવીએ 7 એપ્રિલ, સોમવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચમાં મુંબઈના તિલક વર્માની વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી છે. 35 વર્ષીય બોલરે આ લીગના ઈતિહાસમાં પોતાની 184મી વિકેટ લીધી. આ વિકેટ સાથે, ભુવનેશ્વર IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ સિઝનમાં RCB તરફથી રમી રહેલા ભુવનેશ્વર કુમારથી આગળ ફક્ત યુઝવેન્દ્ર ચહલ (206) અને પીયૂષ ચાવલા (192) જ છે., જે બંને સ્પિનર્સ છે.
ભુવનેશ્વર કુમારે ડ્વેન બ્રાવોને પાછળ છોડી દીધો
IPLમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હવે ભુવનેશ્વર કુમારના નામે છે. આ યાદીમાં બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો છે, જેણે 158 ઇનિંગ્સમાં 183 વિકેટ લીધી હતી. ત્રીજા સ્થાને લસિથ મલિંગા છે, જેણે 122 મેચમાં 170 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહનું નામ યાદીમાં ચોથા નંબરે છે. તેણે 134 મેચોમાં165 વિકેટ લીધી છે. જ્યારે, ઉમેશ યાદવ પાંચમા નંબરે છે. ઉમેશે 148 મેચોમાં 144 વિકેટ લીધી છે. આમાંથી ભુવનેશ્વર અને બુમરાહ બે જ બોલર છે જે આ સિઝનમાં IPLમાં રમી રહ્યા છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- 184* - ભુવનેશ્વર કુમાર (179 ઈનિંગ્સ)
- 183 - ડ્વેન બ્રાવો (158 ઈનિંગ્સ)
- 170 - લસિથ મલિંગા (122 ઈનિંગ્સ)
- 165* - જસપ્રીત બુમરાહ (134 ઈનિંગ્સ)
- 144 - ઉમેશ યાદવ (147 ઈનિંગ્સ)
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 48 રન આપ્યા હતા પરંતુ તેણે 18મી ઓવરમાં તિલક વર્માને આઉટ કરીને RCBને મોટી સફળતા અપાવી હતી. આ મેચમાં તિલક 29 બોલમાં 56 રન બનાવીને આઉટ થયો હતો. બેંગલુરુએએ આ મેચ 12 રનથી જીતી લીધી. આ સિઝનમાં ભુવનેશ્વર કુમારની આ ત્રીજી વિકેટ હતી. તે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પહેલી મેચ સિવાય RCBની બધી મેચોમાં રમ્યો છે. ભુવીએ આ સિઝનમાં અત્યાર સુધી સારી બોલિંગ કરી છે પરંતુ તે વધારે વિકેટ નથી લઈ શક્યો.