
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 શરૂ થઈ ગઈ છે અને ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોનીના ભવિષ્ય અંગે અટકળો તેજ થઈ ગઈ છે. રવિવારે (23 માર્ચ) ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સિઝનની શરૂઆતની મેચ પહેલા, ધોનીએ પોતાની નિવૃત્તિની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે અને ફેન્સને એક મોટી ખુશખબર આપી છે. આ પૂર્વ કેપ્ટને સ્પષ્ટ કર્યું કે તે ઈચ્છે ત્યાં સુધી CSK માટે રમી શકે છે.
એક ઇન્ટરવ્યુમાં ધોનીએ કહ્યું, "હું જ્યાં સુધી ઈચ્છું ત્યાં સુધી CSK માટે રમી શકું છું. આ મારી ફ્રેન્ચાઇઝી છે. જો હું વ્હીલચેર પર હોઉં તો પણ તેઓ મને ટીમમાં ખેંચી લેશે." ધોની IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે પોતાની ટીમને પાંચ વખત ચેમ્પિયન બનાવી છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ, CSK એ 2010, 2011, 2018, 2021 અને 2023માં જીત મેળવી હતી. તેણે 2024 સિઝન પહેલા કેપ્ટનશિપ છોડી દેવાનો નિર્ણય લીધો અને ઋતુરાજ ગાયકવાડ ટીમનો કેપ્ટન બન્યો.
ગાયકવાડે ધોનીનો પ્લાન જણાવ્યો
CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ ધોનીની પ્રશંસા કરી અને કહ્યું કે 43 વર્ષની ઉંમરે પણ તેનું યોગદાન અસાધારણ છે. તેણે આશા વ્યક્ત કરી કે ધોની આ IPLમાં પણ ટીમ માટે મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સ રમશે. ગાયકવાડે કહ્યું, "ટીમમાં ઘણા નવા ખેલાડીઓ જોડાયા છે અને ક્યારેક તેઓને બોલને એટલી સારી રીતે ફટકારવામાં મુશ્કેલી પડે છે જેટલી તેઓ (ધોની) હાલમાં કરી રહ્યા છે. અલબત્ત, તે મારા સહિત અમને બધાને પ્રેરણા આપે છે. તે 43 વર્ષની ઉંમરે જે કંઈ કરી રહ્યા છે, મને લાગે છે કે તે અસાધારણ છે."
હજુ ઘણા વર્ષો બાકી છે: ગાયકવાડ
ગાયકવાડે ધોનીની નેટ પ્રેક્ટિસ વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું, "મને લાગે છે કે તેમની ટ્રેનિંગ મોટાભાગે તે શું પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અથવા IPLમાં તેમની ભૂમિકા શું હશે તેના પર કેન્દ્રિત છે. તેઓ શક્ય તેટલા વધુ છગ્ગા ફટકારવાનો પ્રયાસ કરે છે. જો તમે હવે જુઓ તો, સચિન તેંડુલકર પણ 50 વર્ષની ઉંમરે જેટલી સારી બેટિંગ કરી રહ્યા છે તેટલી જ સારી બેટિંગ કરી રહ્યા છે. તેથી મને લાગે છે કે (ધોની માટે) હજુ ઘણા વર્ષો બાકી છે."