
શનિવારે IPL 2025ની 9મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈને 36 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. IPL 2025માં MIના કેપ્ટન હાર્દિક પંડ્યાની આ પહેલી મેચ હતી. હાર્દિકે આ સિઝનની પોતાની પહેલી જ મેચમાં એક મોટી ભૂલ કરી હતી, જેના કારણે તેને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
શનિવારે, હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સમયસર 20 ઓવર નહતી નાખી શકી, જેના કારણે કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે IPLમાં પહેલીવાર ટીમના કેપ્ટન પર સ્લો ઓવર રેટના કારણે 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં ટીમને કડક સજા પણ મળે છે. સમયની દૃષ્ટિએ જેટલી પણ ઓવર બાકી હોય, તેમાં ખેલાડીને વધારાના 30 યાર્ડના સર્કલમાં રાખવા પડે છે.
IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે સ્લો ઓવર રેટ જાળવી રાખ્યો હતો. IPLની આચારસંહિતા 2.2 હેઠળ આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હતો. આમ, કેપ્ટન હાર્દિકને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે."
ગયા વર્ષે પંત અને હાર્દિકને એક મેચ માટે બેન કરવામાં આવ્યા હતા
તમને જણાવી દઈએ કે IPLની છેલ્લી સિઝનમાં, રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સ ત્રણ વખત સમયસર ઓવર પૂરી નહતી કરી શકી. આ પછી, કેપ્ટન રિષભ પંતને સ્લો ઓવર રેટના કારણે એક મેચ માટે બેન કરવામાં આવ્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ આ ભૂલ કરી હતી, અને તેના કારણે તેને IPL 2025ની પહેલી મેચમાં બેન કરવામાં આવ્યો હતો. જોકે, હવે IPL એ આ નિયમ બદલી નાખ્યો છે. આ વખતે બેનનો નિયમ દૂર કરવામાં આવ્યો છે. BCCIએ હવે ડિમેરિટ પોઈન્ટ સિસ્ટમ લાગુ કરી છે.