
ગઈકાલે (31 માર્ચ) IPL 2025માં, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં મુંબઈએ 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્લેઈંગ ઈલેવનમાં અશ્વિની કુમારને તક આપી હતી. આ સાથે, 23 વર્ષીય યુવા ખેલાડી અશ્વિનીએ IPLમાં ડેબ્યુ કર્યું અને તેણે ડેબ્યુ મેચના પહેલા બોલ પર જ કમાલ કરી દીધી.
અજિંક્ય રહાણેની વિકેટ લીધી
અશ્વિની કુમારે પોતાના IPL કારકિર્દીનો પહેલો બોલ અજિંક્ય રહાણેને ફેંક્યો અને રહાણેએ તેના પર મોટો સ્ટ્રોક રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તિલક વર્માએ તેનો કેચ ઝડપ્યો અને રહાણેને પવેલિયન પરત ફરવું પડ્યું. આ રીતે અશ્વિનીએ તેનાIPL ડેબ્યુના પહેલા જ બોલ પર વિકેટ લીધી. તે IPLમાં આવું કરનાર 10મો બોલર બન્યો. તે મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL ડેબ્યુના પહેલા બોલ પર વિકેટ લેનાર ત્રીજો બોલર બન્યો છે. તેના પહેલા અલઝારી જોસેફ અને અલી મુર્તઝા આ કરી ચૂક્યા છે.
30 લાખ રૂપિયામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયો
IPL 2025 મેગા ઓક્શન દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અશ્વિની કુમારને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. અગાઉ, તે પંજાબ કિંગ્સનો પણ ભાગ હતો, પરંતુ પછી ત્યારે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન નહતો મેળવી શક્યો. હવે આ સિઝનમાં તેને ડેબ્યુ કરવાની તક મળી અને તેણે પહેલા જ બોલ પર પોતાની પ્રતિભા બતાવી. રહાણે સિવાય અશ્વિની કુમારે રિંકુ સિંહ, મનીષ પાંડે અને આન્દ્રે રસલને આઉટ કર્યા હતા. તેણે ડેબ્યુ મેચમાં 3 ઓવરમાં 24 રન આપીને કુલ 4 વિકેટ લીધી હતી.
શેર-એ પંજાબ T20 ટૂર્નામેન્ટમાં તાકાત બતાવી હતી
અશ્વિની કુમારનો જન્મ 29 ઓગસ્ટ 2001ના રોજ પંજાબના મોહાલીમાં થયો હતો. તે સ્થાનિક ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. શેર-એ-પંજાબ T20 ટૂર્નામેન્ટમાં પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતવામાં સફળ રહ્યો. તેણે અત્યાર સુધીમાં બે ફર્સ્ટ ક્લાસ મેચમાં ત્રણ વિકેટ લીધી છે. તેણે ચાર લિસ્ટ-એ મેચોમાં ત્રણ વિકેટ લીધી છે. અશ્વિની પહેલો ખેલાડી નથી જેને આ સિઝનમાં મુંબઈએ પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપી છે. અગાઉ વિગ્નેશ પુથુર અને સત્યનારાયણ રાજુને પણ મુંબઈએ તક આપી હતી.