
મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ દિલ્હી કેપિટલ્સ (DC) સામે 12 રનથી વિજય મેળવ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા. જવાબમાં, દિલ્હી (DC) ની આખી ટીમ ફક્ત 193 રન જ બનાવી શકી. IPL 2025માં દિલ્હી (DC) ની આ પહેલી હાર છે, આ પહેલા તેણે સતત 4 જીત નોંધાવી હતી. બીજી તરફ, જો મુંબઈ (MI) આ મેચ હારી ગયું હોત, તો પ્લેઓફમાં પહોંચવાનો તેનો રસ્તો મુશ્કેલ બની ગયો હોત. 19મી ઓવરમાં, MIના ફિલ્ડરે રન-આઉટની હેટ્રિક લગાવીને મેચ જીતી લીધી.
206 રનના તાર્ગેતને ચેઝ કરવા ઉતરેલી DC સામે દીપક ચહરે MIને શાનદાર શરૂઆત અપાવી. તેણે ઈનિંગના પહેલા જ બોલ પર જેક ફ્રેઝર મેકગર્કને આઉટ કર્યો. ત્યારબાદ, અભિષેક પોરેલ અને કરુણ નાયરે MIની બોલિંગની કમર તોડી નાખી. બંનેએ મળીને 61 બોલમાં 119 રન ઉમેર્યા હતા. પોરેલ 33 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ કરુણ નાયર અલગ મૂડમાં બેટિંગ કરવા આવ્યો હતો. 89 રનની તોફાની ઈનિંગ રમીને જ્યારે કરુણ નાયર આઉટ થયો ત્યારે DCને જીતવા માટે 50 બોલમાં 71 રન બનાવવાના હતા, જે ખૂબ જ સરળ લાગતું હતું.
છેલ્લી 8 ઓવરમાં આખી મેચ પલટી ગઈ
DCએ 12 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. ટીમને જીતવા માટે 48 બોલમાં 66 રન બનાવવાના હતા. અહીંથી, અક્ષર પટેલ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કેએલ રાહુલ સહિત અન્ય બેટ્સમેનોએ સતત પોતાની વિકેટ ગુમાવી. આગામી ચાર ઓવરમાં, દિલ્હી ફક્ત 24 રન બનાવી શક્યું અને ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી. આ સાથે, 16 ઓવર પછી સ્કોર 6 વિકેટના નુકસાને 164 રન થયો.
જ્યારે દિલ્હી કેપિટલ્સ સરળ જીત તરફ આગળ વધી રહી હતી, ત્યારે પરિસ્થિતિ એવી હતી કે તેમને 2 ઓવરમાં 23 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહની એક ઓવર બાકી હોવાથી, આ 23 રન પણ મોટો ટાર્ગેટ લાગતો હતો. 19મી ઓવરના પહેલા 2 બોલમાં જ 8 રન બની ગયા હતા, પરંતુ કોણ જાણતું હતું કે DCના બાકીના 3 બેટ્સમેન ઓવરના છેલ્લા 3 બોલમાં રન આઉટ થઈ જશે. 19મી ઓવરના ચોથા બોલ પર સૌથી પહેલા આશુતોષ શર્મા રન આઉટ થયો, તેના પછીની બોલમાં કુલદીપ યાદ રન આઉટ થયો અને છેલ્લી બોલમાં 11મા નંબર પર બેટિંગ કરવા આવેલો મોહિત શર્મા રન આઉટ થયો. આ રીતે DCની ટીમ 193 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ, અને MIએ 12 રને મેચ જીતી લીધી.