
IPL 2025 સિઝનની 66મી લીગ મેચ આજે (24 મે) પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. PBKSની ટીમ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે, જ્યારે DCની ટીમ આ સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. ટોપ-2માં સ્થાન મેળવવાના દૃષ્ટિકોણથી PBKS માટે આ મેચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હાલમાં, પંજાબ કિંગ્સ 12 મેચ પછી 17 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે.
પિચ રિપોર્ટ
PBKS અને DC વચ્ચેની મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે, જ્યાં આ સિઝનમાં ઘણી હાઈ-સ્કોરિંગ મેચ જોવા મળી છે. જયપુરમાં કુલ 5 મેચ રમાઈ હતી, જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ ત્રણ વખત જીતી હતી જ્યારે ટાર્ગેટ ચેઝ કરનારી ટીમ બે વખત જીતી હતી. PBKS એ આ મેદાન પર તેની છેલ્લી મેચ 18 મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે રમી હતી, જેમાં તેણે પહેલા બેટિંગ કરીને 219 રન બનાવ્યા હતા અને બાદમાં 10 રનથી મેચ જીતી હતી. જયપુરના આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 60 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનારી ટીમે 39 મેચ જીતી છે જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમે 23 મેચ જીતી છે. આવી સ્થિતિમાં આજે પણ ફેન્સને હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે તેવી અપેક્ષા છે.
હેડ ટૂ હેડ રેકોર્ડ
જો આપણે IPLમાં બંને ટીમો વચ્ચેના હેડ ટૂ હેડના આંકડા જોઈએ તો તે લગભગ સમાન છે. IPLમાં અત્યાર સુધીમાં PBKS અને DC વચ્ચે કુલ 33 મેચ રમાઈ છે, જેમાંથી પંજાબ કિંગ્સ 17 મેચ જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 16 મેચ જીતી છે. આવી સ્થિતિમાં, આ મેચમાં બંને ટીમો વચ્ચે કઠિન સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
PBKS: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર, માર્કસ સ્ટોઈનિસ, નેહલ વઢેરા, હરપ્રીત બરાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યાન્સન અને લોકી ફર્ગ્યુસન.
DC: અભિષેક પોરેલ, કેએલ રાહુલ, ફાફ ડુ પ્લેસિસ, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ/સમીર રિઝવી, વિપરજ નિગમ, કુલદીપ યાદવ, દુષ્મંત ચમીરા, મુકેશ કુમાર અને ટી નટરાજન.