ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 9મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. પહેલા બેટિંગ કરવા આવેલી ગુજરાતની ઈનિંગની 19મી ઓવરમાં બંને બેટ્સમેન વચ્ચે કન્ફયુઝન જોવા મળ્યું હતું. રાહુલ તેવતિયાને આનું પરિણામ ભોગવવું પડ્યું હતું. તે ડાયમંડ ડક પર આઉટ થયો હતો.
દીપક ચહરની 19મી ઓવરનો પહેલો બોલ લેન્થ ડિલિવરી હતો જેને શેરફેન રધરફોર્ડે મિડ-ઓફ તરફ ફટકાર્યો. નોન-સ્ટ્રાઈકર પર રાહુલ તેવતિયા સિંગલ લેવા માટે ઉત્સુક હતો. આવી સ્થિતિમાં, તે પોતાની ક્રીઝથી બહાર નીકળી ગયો. મિડ-ઓફ પર ઉભેલા કેપ્ટન હાર્દિક પંડ્યાએ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર શાનદાર થ્રો કર્યો અને રાહુલને આઉટ કર્યો.
બંને બેટ્સમેન વચ્ચે કન્ફયુઝન
રાહુલ તેવતિયાએ ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું બેટ મેદાનમાં ફસાઈ ગયું, તેથી તે પાછો ન ફરી શક્યો. બોલ સ્ટમ્પ પર વાગ્યા પછી, શેરફેન રધરફોર્ડ રન દોડ્યો. જોકે, તેવતિયાને વિશ્વાસ હતો કે તે રન આઉટ થઈ ગયો છે. આવી સ્થિતિમાં, તે બીજા છેડે ઊભો રહ્યો.
જોકે, શેરફેન રધરફોર્ડને નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ દોડતો જોઈને તેણે દોડવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં, બંને વચ્ચે ભારે કન્ફયુઝન થઈ ગયું અને તેઓ ભાગતા જોવા મળ્યા. રિપ્લેમાં પણ સ્પષ્ટ દેખાતું હતું કે તેવતિયા રન આઉટ થઈ ગયો હતો. તેણે ન તો કોઈ બોલ રમ્યો કે ન તો કોઈ રન બનાવ્યો હતો.
ડાયમંડ ડક શું છે?
ક્રિકેટમાં, જ્યારે કોઈ બેટ્સમેન પહેલા બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ થાય છે, ત્યારે તેને ગોલ્ડન ડક 0(1) કહેવામાં આવે છે. બીજી બાજુ, જો બેટ્સમેન કોઈ બોલનો સામનો ન કરે અને તેની વિકેટ ગુમાવે તો તેને ડાયમંડ ડક 0(0) કહેવામાં આવે છે. આમાં ખેલાડીને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર રન આઉટ કરી શકાય છે. જેમ તેવતિયા સાથે થયું. શેરફેન રધરફોર્ડની વાત કરીએ તો, તેણે 11 બોલમાં 2 છગ્ગાની મદદથી 18 રનની ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા હતા. આ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સ માત્ર 160 જ બનાવી શકી. આમ, ગુજરાતે આ મેચ 36 રનથી જીતી હતી.