
આજે (3 જૂન) રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL 2025ની ફાઈનલ રમાશે. બંને ટીમ પોતાનું પહેલું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરશે. બંને ટીમો તે માટે તૈયારી પણ કરી રહી છે. ત્યારે મેચ પહેલા RCBના કેપ્ટન રજત પાટીદારે કહ્યું, ટીમ આ વખતે IPL ટાઈટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે કારણ કે તે વિરાટ કોહલી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે વિરાટે 18 વર્ષથી ટીમ અને દેશ માટે મોટું યોગદાન આપ્યું છે અને ટ્રોફી જીતવાનો તેના માટે ખાસ અર્થ છે. RCB ટીમ અત્યાર સુધીમાં ત્રણ વખત 2009, 2011 અને 2016માં IPL ફાઈનલ રમી છે, પરંતુ દરેક વખતે ટાઈટલથી દૂર રહી છે. કોહલીએ ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે, છતાં ટીમનો ટાઈટલનો દુકાળ હજુ પણ ચાલુ છે.
જ્યારે પાટીદારને પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે શું 'કોહલી ફેક્ટર' આ વખતે પણ ટીમ પર પ્રભુત્વ મેળવશે, ત્યારે તેણે કહ્યું, "બિલકુલ, વિરાટે લાંબા સમયથી RCB અને ટીમ ઇન્ડિયામાં યોગદાન આપ્યું છે. અમે ફાઈનલમાં અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશું." જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું ફક્ત એક ખેલાડી પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવું ટીમ માટે નુકસાનકારક હોઈ શકે છે, ત્યારે પાટીદારે કહ્યું કે, "એવું નથી. અમે બધા સાથે મળીને સારું પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. તે હંમેશા વસ્તુઓને સરળ અને સાફ રાખવાનું પસંદ કરે છે. 'કોહલી ફેક્ટર' ચોક્કસપણે RCB માટે એક મજબૂત બાજુ છે જેને હંમેશા પ્રેક્ષકોનો સપોર્ટ મળ્યો છે."
ફેન્સ તરફથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે
પાટીદારે કહ્યું કે, "છેલ્લા કેટલાક વર્ષોથી, અમને એવું લાગે છે કે અમે દરેક ગ્રાઉન્ડ પર અમારા હોમ ગ્રાઉન્ડની જેમ રમી રહ્યા છીએ. ફેન્સનો પ્રેમ અને સપોર્ટ દરેક જગ્યાએ મળી રહ્યો છે. ટીમનો બેટ્સમેન ટિમ ડેવિડ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે છેલ્લી બે મેચમાં નથી રમી શક્યો. તેના વિષે વાત કરતા પાટીદારે કહ્યું કે, "અત્યાર સુધી અમને તેની ફિટનેસ વિશે ખબર નથી. ડોક્ટર તેની તપાસ કરી રહ્યા છે અને આજે સાંજ સુધીમાં પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે." પાટીદારે વધુમાં કહ્યું કે, "ટીમના ખેલાડીઓ માટે સારું વાતાવરણ બનાવવું તેના માટે મહત્ત્વપૂર્ણ રહેશે. અત્યાર સુધી મેં તેનો આનંદ માણ્યો છે. મને લાગે છે કે આ રમતના કેટલાક મહાન કેપ્ટનો, રમતના કેટલાક મહાન ખેલાડીઓ અને રમતના મહાન વિદેશી ખેલાડીઓ પાસેથી શીખવાની સારી તક છે."