
IPL 2025ની 47મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ (RR) નો મુકાબલો ગુજરાત ટાઈટન્સ (GT) સામે થશે. આ મેચ RRના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાશે. આ સિઝનમાં રાજસ્થાન અને ગુજરાત 9 એપ્રિલે એક વાર આમને-સામને થયા છે. તે મેચમાં, GT એ પ્રથમ બેટિંગ કરતા, સાઈ સુદર્શનની 82 રનની ઈનિંગની મદદથી 217 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરતી વખતે RRની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે આજની મેચમાં રાજસ્થાન પોતાની પાછલી હારનો બદલો લેવા માંગશે.
સવાઈ માનસિંહ સ્ટેડિયમનો પિચ રિપોર્ટ
આ સિઝનમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમની પિચ પર રન બનાવવા બેટ્સમેન માટે પડકારજનક રહ્યા છે. અહીં બેટ અને બોલ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી છે. આવી સ્થિતિમાં, ફેન્સ RR અને GT વચ્ચે કઠિન સ્પર્ધાની અપેક્ષા રાખી રહ્યા છે. આ પીચ પર 170-190નો સ્કોર સારો સ્કોર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંની પિચ સંતુલિત હશે અને ફાસ્ટ બોલર અને સ્પિનર બંને માટે મદદરૂપ થશે.
આ મેદાન પર અત્યાર સુધીમાં 59 IPL મેચ રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરનારી ટીમ 21 વખત જીતી છે, જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમ 38 વખત જીતી છે. આ મેદાન પર પ્રથમ ઈનિંગનો એવરેજ સ્કોર 162 રન છે. આ મેદાન પર ટાર્ગેટ ચેઝ કરવામાં ટીમોને વધુ સફળતા મળી છે, તેથી જે પણ કેપ્ટન ટોસ જીતશે તે પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.
જયપુરનો વેધર રિપોર્ટ
જયપુરના હવામાનની વાત કરીએ તો, 28 એપ્રિલ, સોમવારની સાંજે ત્યાંનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ સમય દરમિયાન ભેજનું પ્રમાણ માત્ર 11 ટકા રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. આનો અર્થ એ થયો કે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હાજર ફેન્સ સંપૂર્ણ 40 ઓવરનો રોમાંચક મેચ જોવા મળશે.
બંને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
RR: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (કેપ્ટન), નીતીશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, શુભમ દુબે, વાનિન્દુ હસરાંગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારૂકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
GT: શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, સાઈ કિશોર, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.