
બિહારના 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને IPL 2025ના મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વૈભવે ઓક્શનમાં જ ઈતિહાસ રચ્યો હતો. તે IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બન્યો, જેના પર સિઝનની શરૂઆતથી જ બધાની નજર ટકેલી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) માટે પોતાની ડેબ્યુ મેચમાં વૈભવે બેટથી ધમાલ મચાવી દીધી અને બધાનું દિલ જીતી લીધું.
વૈભવે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની તેની ડેબ્યુ મેચના પહેલા જ બોલ પર સિક્સ ફટકારી અને દુનિયાને પોતાની ક્ષમતા બતાવી. તેણે ડેબ્યુ મેચમાં 34 રન બનાવ્યા હતા. આ સિઝનમાં તેની શ્રેષ્ઠ ઈનિંગ ગુજરાત ટાઈટન્સ (GT) સામે આવી હતી, જ્યારે તેણે 38 બોલમાં 101 રન બનાવ્યા હતા.
આ પછી, તે આગામી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો. પરંતુ 7 મેચ રમીને તેણે કુલ 252 રન બનાવીને ઘણા રેકોર્ડ્સ તોડ્યા અને ઘણા નવા રેકોર્ડ્સ બનાવ્યા. ચાલો જાણીએ IPL 2025માં વૈભવ દ્વારા બનાવેલા મોટા રેકોર્ડ્સ.
વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં બનાવેલા રેકોર્ડ્સ
વૈભવ સૂર્યવંશી IPLના ઈતિહાસમાં સૌથી યુવા ખેલાડી બન્યો છે. તેણે માત્ર 14 વર્ષની ઉંમરે ડેબ્યુ કરીને ઈતિહાસ રચ્યો.
વૈભવ સૂર્યવંશીના નામે IPLના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. તેણે ગુજરાત ટાઈટન્સ (GT) સામે સદી ફટકારી હતી.
વૈભવના નામે IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ પણ છે, તેણે GT સામે માત્ર 35 બોલમાં સદી ફટકારી હતી. આ સાથે તેણે યુસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો.
વૈભવ સૂર્યવંશી 20 વર્ષની ઉંમર પહેલા IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 2025ની સિઝનમાં 24 છગ્ગા ફટકાર્યા છે.
વૈભવના નામે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ (206.56) નો રેકોર્ડ પણ હતો.
વૈભવે તેના IPL ડેબ્યુના પહેલા બોલ પર જ સિક્સ ફટકારી હતી. વૈભવ સૂર્યવંશી એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ (11) ફટકારનાર અનકેપ્ડ ખેલાડી પણ બન્યો છે. આ બાબતમાં તેણે ઈશાન કિશનનો રેકોર્ડ તોડ્યો જેણે 9 સિક્સ ફટકારી હતી.
વૈભવ T20 ઈનિંગમાં ફક્ત બાઉન્ડ્રીથી 40 રન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો છે. આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય છે.