રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) દિલ્હી કેપિટલ્સ (DC) ના ઘરઆંગણે આ સિઝનની હારનો બદલો લીધો હતો. RCBએ શાનદાર પ્રદર્શન કર્યું અને DCને 6 વિકેટથી હરાવ્યું હતું. કિંગ કોહલી (Virat Kohli) નું બેટ ફરી એકવાર ચાલ્યું હતું અને તેણે 51 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. કોહલીને કૃણાલ પંડ્યાનો સારો સાથ મળ્યો અને બંનેએ ખૂબ જ ધમાલ મચાવી હતી. જોકે, બેટિંગ કરતી વખતે, વિરાટ અચાનક કેએલ રાહુલ (KL Rahul) પર ગુસ્સે થઈ ગયો અને મેદાન પર બંને વચ્ચે ઉગ્ર બોલચાલ શરૂ થઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કોહલી (Virat Kohli) બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ પછી, તે અચાનક વિકેટ પાછળ ઉભેલા કેએલ રાહુલ (KL Rahul) તરફ વળે છે અને ગુસ્સામાં કંઈક કહેવા લાગે છે. વિરાટના ચહેરાના હાવભાવ જોઈને એવું લાગતું હતું કે તે કોઈ વાતને લઈને ખૂબ જ નારાજ છે. રાહુલ પણ કોહલીને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો. જોકે, વિરાટે રાહુલની વાત સાંભળી નહીં અને ગુસ્સામાં પોતાની વાત કહી દીધી અને બેટિંગ ક્રીઝ પર પાછો ગયો. વિરાટ અને રાહુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
કોહલી-ક્રુણાલે મચાવી ધમાલ
DC દ્વારા આપવામાં આવેલા 163 રનના ટાર્ગેટને RCBએ 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. વિરાટ કોહલી (Virat Kohli) એ શાનદાર બેટિંગ કરી અને 47 બોલમાં 51 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. કોહલીએ એન્કર ઈનિંગ રમી હતી. બીજા છેડે, કૃણાલ પંડ્યાએ બાજી સંભાળી અને 47 બોલમાં 73 રનની અણનમ ઈનિંગ રમી. કૃણાલે પોતાની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બંનેએ મળીને ચોથી વિકેટ માટે 119 રન જોડ્યા હતા. ટિમ ડેવિડે 5 બોલમાં 19 રનની અણનમ ઈનિંગ રમીને RCBને સિઝનની સાતમી જીત અપાવી હતી.