
ઇંગ્લેન્ડે ભારતને પ્રથમ ટેસ્ટમાં 5 વિકેટે હરાવ્યું હતું. બીજી ઇનિંગ્સમાં 149 રન બનાવનારા બેન ડકેટ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. મેચ બાદ ICCએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. હાર છતા શુભમન ગિલ, રિષભ પંત અને કેએલ રાહુલને બેટિંગ રેન્કિંગમાં ફાયદો થયો છે.
રિષભ પંત બીજો એવો વિકેટ કીપર બન્યો હતો જેને એક ટેસ્ટ મેચની બન્ને ઇનિગ્સમાં સદી ફટકારી હતી. પંતે પ્રથમ ઇનિંગ્સમાં 134 અને બીજી ઇનિંગ્સમાં 118 રન બનાવ્યા હતા. રિષભ પંત એક સ્થાન ઉપર આવી ગયો છે. હવે તે આ યાદીમાં 7માં નંબર પર છે અને તેના 801 રેટિંગ પોઇન્ટ છે. ટોપ 10માં પંત સાથે યશસ્વી જયસ્વાલ પણ છે. જયસ્વાલે પ્રથમ ઇનિગ્સમાં સદી ફટકારી હતી.
કેએલ રાહુલ અને શુભમન ગિલનો લાંબો કૂદકો
ભારતીય કેપ્ટન શુભમન ગિલ ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 5 સ્થાન ઉપર આવી ગયો છે. તે હવે 20માં નંબર પર છે. ગિલે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ઇનિંગ્સમાં 147 રન બનાવ્યા હતા. જોકે, બીજી ઇનિંગ્સમાં તે 8 રન બનાવીને આઉટ થયો હતો.
કેએલ રાહુલે 10 સ્થાન ઉપર કૂદકો માર્યો છે. રાહુલે પ્રથમ ઇનિગ્સમાં મહત્ત્વપૂર્ણ 42 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગ્સમાં 137 રન બનાવ્યા હતા. રાહુલ 48માંથી 38 નંબર પર આવી ગયો છે.
ટોપ-10માં સામેલ થયો બેન ડકેટ
ભારત વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચનો હીરો રહેલા બેન ડકેટ 5 સ્થાન ઉપર આવીને ટોપ 10માં સામેલ થઇ ગયો છે. હવે તેના 787 રેટિંગ પોઇન્ટ છે અને તે નંબર 8 પર આવી ગયો છે. ડકેટે પ્રથમ ઇનિંગ્સમાં 62 અને બીજી ઇનિંગ્સમાં 149 રન બનાવ્યા હતા.
ટોપ-10માંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા
ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા પ્રથમ ટેસ્ટમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓમાં સૌથી અનુભવી હતો પરંતુ તે હિસાબથી તેનું પ્રદર્શન સારૂ રહ્યું નહતું. પ્રથમ ઇનિંગ્સમાં મોટી ઇનિગ્સની ટીમને જરૂર હતી પણ તે માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો અને બીજી ઇનિંગ્સમાં માત્ર 1 વિકેટ જ ઝડપી શક્યો હતો.
ICC બોલિંગ રેન્કિંગમાં ટોપ 10 લિસ્ટમાંથી રવિન્દ્ર જાડેજા બહાર થઇ ગયો છે. તે 3 સ્થાન નીચે 13માં નંબર પર આવી ગયો છે. નંબર-1 પર જસપ્રીત બુમરાહ છે અને તેના 907 રેટિંગ પોઇન્ટસ છે.
ICC Test રેન્કિંગ (બેટ્સમેન)
1- જો રૂટ-ઇંગ્લેન્ડ
2- હેરી બ્રુક-ઇંગ્લેન્ડ
3- કેન વિલિયમસન-ન્યૂઝીલેન્ડ
4- યશસ્વી જયસ્વાલ-ભારત
5-સ્ટીવ સ્મિથ- ઓસ્ટ્રેલિયા
6- ટેમ્બા બાવુમા- દક્ષિણ આફ્રિકા
7- રિષભ પંત-ભારત
8- બેન ડકેટ-ઇંગ્લેન્ડ
9- સાઉદ સકીલ- પાકિસ્તાન
10- ડેરેલ મિચેલ-ન્યૂઝીલેન્ડ