
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયા સામે એક મોટી સમસ્યા સર્જાઈ છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે કે નહીં તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. બુમરાહ એનસીએમાં સ્કેન માટે ગયો છે અને તેના રમવા મુદ્દે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે નહીં તો તેની જગ્યાએ કયા 5 ભારતીય બોલર ટીમમાં સામેલ થઈ શકે છે.
જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમની જાહેરાત દરમિયાન મોહમ્મદ સિરાજને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો ત્યારે કરોડો ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ દિગ્ગજો આશ્ચર્યચકિત બન્યા હતા. સિરાજ કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના સૌથી વિશ્વસનીય ખેલાડીઓ પૈકી એક છે. વનડેમાં તેણે 44 મેચમાં 71 વિકેટ ઝડપી છે. જો બુમરાહ નહીં હોય તો સિરાજ તેની જગ્યા લઈ શકે છે.
હર્ષિત રાણા છેલ્લી વનડે સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો. આ સિરીઝ ઓગસ્ટ 2024માં શ્રીલંકા સામે રમાઈ હતી. જોકે, આ 22 વર્ષીય ખેલાડીને વનડેમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. દિલ્હીના આ ક્રિકેટરે અત્યાર સુધીમાં 14 લિસ્ટ A મેચ રમી છે અને તેણે 22 વિકેટ ઝડપી છે. હર્ષિતે ભારત માટે ટેસ્ટ અને ટી20માં ડેબ્યૂ કર્યું છે.
આ પણ વાંચો : અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ: 37 બોલમાં તોફાની સદી ફટકારી તોડ્યા અનેક દિગ્ગજોના રેકૉર્ડ
પ્રસિદ્ધ કૃષ્ણાએ ભારત માટે 17 ODI મેચોમાં 29 વિકેટ લીધી છે. કર્ણાટકનો આ ફાસ્ટ બોલર ભારતની ODI વર્લ્ડ કપ 2023 ટીમનો ભાગ હતો. કૃષ્ણા ભારત તરફથી છેલ્લે ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટમાં રમ્યો હતો અને બંને ઇનિંગ્સમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.
જસપ્રીત બુમરાહના સ્થાને મુકેશ કુમારને પણ ODI ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. મુકેશે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં છ ODI મેચ રમી છે અને આ દરમિયાન તેણે પાંચ વિકેટ પોતાના નામે કરી છે. મુકેશ પાસે નવા અને જૂના બોલથી વિકેટ લેવાની ક્ષમતા છે.
આવેશ ખાને અત્યાર સુધી રમાયેલી આઠ ODI મેચમાં 9 વિકેટ ઝડપી હતી. તેણે ડિસેમ્બર 2023માં દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં ત્રણ મેચ રમી હતી અને તેમાં આઠ ઓવરમાં 27 રન સાથે ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. જો કે આવેશ બુમરાહ જેટલો મજબૂત ફાસ્ટ બોલર નથી, પરંતુ તેને ઘણી વખત બેકઅપ તરીકે ટીમમાં રાખવામાં આવે છે.