
જો રૂટની અણનમ અડધી સદીના કારણે ઈંગ્લેન્ડે ગુરુવારે ત્રીજી ક્રિકેટ ટેસ્ટના પહેલા દિવસે ચાર વિકેટે 251 રન બનાવ્યા, પરંતુ ભારતે રન રેટને નિયંત્રણમાં રાખીને મેચને પોતાના નિયંત્રણમાંથી બહાર ન જવા દીધી. પોતાની 37મી સદીથી માત્ર એક રન દૂર, રૂટ 191 બોલમાં નવ ચોગ્ગાની મદદથી 99 રન બનાવીને રમી રહ્યો છે. બીજા છેડે, કેપ્ટન બેન સ્ટોક્સ (102 બોલમાં અણનમ 39) તેનો સાથ આપી રહ્યો છે. બંનેએ અત્યાર સુધી પાંચમી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી છે. રૂટે અગાઉ ઓલી પોપ (44) સાથે ત્રીજી વિકેટ માટે 109 રન ઉમેર્યા હતા.
ભારતીય બોલરોએ દિવસની રમત દરમિયાન રન રેટને નિયંત્રણમાં રાખી હતી અને અત્યંત આક્રમક 'બેઝબોલ' વલણ માટે પ્રખ્યાત યજમાન ટીમ 83 ઓવરમાં પ્રતિ ઓવર 3.02ની રન રેટથી જ સ્કોર કરી શકી હતી. ભારત માટે, નીતિશ કુમાર રેડ્ડી (46 રનમાં બે વિકેટ) સૌથી સફળ બોલર રહ્યો, જ્યારે જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા એ પણ એક-એક વિકેટ લીધી.
શરૂઆતની વિકેટ ગુમાવ્યા બાદ, રૂટ અને પોપ (104 બોલમાં 44 રન) એ પરંપરાગત ટેસ્ટ મેચ બેટિંગ શૈલી અપનાવી અને ત્રીજી વિકેટ માટે 109 રનની પાર્ટનરશિપ કરી. જાડેજાએ ત્રીજા સેશનના પહેલા જ બોલ પર પોપને પવેલિયન મોકલીને રૂટ સાથેની તેની પાર્ટનરશિપ તોડી. પોપ વિકેટકીપર રિષભ પંતની જગ્યાએ જવાબદારી સંભાળી રહેલા ધ્રુવ જુરેલ દ્વારા વિકેટ પાછળ કેચ આઉટ થયો.
તમને જણાવી દઈએ કે બીજા સેશનમાં પંતને ઈજા થતા ભારતને ઝટકો લાગ્યો હતો. બુમરાહનો બોલ લેગ સાઈડની બહાર જતા તેના ડાબા હાથની આંગળીઓમાં વાગ્યો હતો જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું હતું.
રૂટે આ પહેલા ફાઈન લેગ એરિયામાં ચોગ્ગો ફટકારીને 102 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. સારા ફોર્મમાં રહેલો હેરી બ્રુક (11) ને બુમરાહે આઉટ કર્યો. ત્યારબાદ રૂટ અને સ્ટોક્સે ઈનિંગની કમાન સંભાળી. આ સાથે પહેલા દિવસના અંત સુધીમાં ઇંગ્લેન્ડની 251 રન પર 4 વિકેટ પડી હતી. જો રૂટ 99 પર અને બેન સ્ટોક્સ 39 રન પણ અણનમ પાછા ફર્યા હતા.