
ઇંગ્લેન્ડે લૉર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું હતું. મહત્ત્વપૂર્ણ છે કે આ મેચમાં ભારતીય ટીમને જીતવા માટે 193 રનનો પડકાર મળ્યો હતો. પણ ભારત 170 પર ઓલઆઉટ થઇ ગયુ હતુ અને 22 રને ઇંગ્લેન્ડનો વિજય થયો હતો.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ 192 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ ઇનિંગમાં બન્ને ટીમોએ 387-387 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-2થી પાછળ થઇ ગયું છે. ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઇથી માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાશે.
ભારતની બીજી ઇનિંગ્સની હાઇલાઇટ
પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી. યશસ્વી જયસ્વાલની વિકેટ બીજી ઓવરમાં જ ગુમાવી હતી, જે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહતો. તે બાદ ભારતીય ટીમે રમતના ચોથા દિવસે કરૂણ નાયર (14 રન), કેપ્ટન શુભમન ગિલ (6 રન) અને નાઇટવોચમેન આકાશ દીપ (1) રનની વિકેટ ગુમાવી હતી. પાંચમા દિવસે પણ ભારતની ખરાબ શરૂઆત થઇ હતી.
રિષભ પંત (9 રન) બનાવીને જોફ્રા આર્ચરની ઓવરમાં બોલ્ડ થયો હતો. તે બાદ જોફ્રા આર્ચરે વોશિંગ્ટન સુંદર (0)ને પણ આઉટ કર્યો હતો. કેએલ રાહુલ (40 રન) બેન સ્ટોક્સની ઓવરમાં એલબી આઉટ થયો હતો.
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં રાહુલ-પંત-જાડેજાની ઇનિંગની મદદથી 387 રન બનાવ્યા હતા
ભારતે પ્રથમ ઇનિંગ્સમાં કેએલ રાહુલના (100), રિષભ પંત (74) તેમજ રવિન્દ્ર જાડેજાના 72 રનની મદદથી 387 રન બનાવ્યા હતા.