
ટી-20 વર્લ્ડકપ બાદ ક્રિકેટનો રોમાંચ ફરી એક વખત જોવા મળશે. ટીમ ઇન્ડિયા અત્યારે શ્રીલંકાના પ્રવાસે છે જ્યાં તે ટી-20 અને વન ડે સિરીઝ રમી રહી છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી (ODI)નું આયોજન થવાનું છે જેને લઇને પાકિસ્તાનમાં તૈયારીઓ ચાલી રહી છે. આવતા વર્ષે રમાનારા એશિયા કપ અને 2027માં યોજાનારી ટૂર્નામેન્ટને લઇને એક અપડેટ સામે આવ્યું છે.
ભારત કરશે એશિયા કપ 2025ની યજમાની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025ની યજમાની ભારત તરફથી કરવામાં આવશે. આ ટી-20 ફોર્મેટમાં રમાશે. જ્યારે બાંગ્લાદેશ 2027નું એશિયા કપ હોસ્ટ કરશે જેનું વન ડે ફોર્મેટમાં આયોજન કરાશે. રિપોર્ટમાં એશિયન ક્રિકેટ પરિષદ (ACC) તરફથી જાહેર કરવામાં આવેલા દસ્તાવેજનો હવાલો આપવામાં આવ્યો છે.
ACCએ સ્પોન્સર રાઇટ્સ માટે અરજી મંગાવી છે. મહત્ત્વપૂર્ણ છે કે એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન અને શ્રીલંકા તરફથી સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યો હતો. આ એશિયા કપ વન ડે ફોર્મેટમાં રમાયો હતો.
એશિયા કપ 2025 અને 2027માં છ ટીમ સામેલ થશે. ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનની ટીમ ભાગ લેશે. જ્યારે છઠ્ઠી ટીમને ક્વોલિફાઇંગ ઇવેન્ટ દ્વારા નક્કી કરવામાં આવશે. બન્ને ટૂર્નામેન્ટમાં 13 મેચ રમાશે.