
ભારતીય ક્રિકેટ ટીમ માટે વર્ષ 2024 ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ હોય કે પછી ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ, ટીમ ઈન્ડિયાએ પોતાની ક્ષમતા સાબિત કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી જૂનમાં T20 વર્લ્ડકપનો ખિતાબ જીતીને ટીમે ICCનો ખિતાબ ન જીતવાનો દુકાળ પણ ખતમ કરી નાખ્યો હતો. જોકે ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં પરાજય અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં પાછળ પડી ગયા બાદ ટીમે આવનારા વર્ષ 2025માં ઘણા મોટા પડકારોનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો: IND vs AUS / શું હોય છે પિંક ટેસ્ટ? સિડનીમાં 3 જાન્યુઆરીથી થશે શરૂ, જાણો તેની પાછળની કહાની
ભારતે વર્ષનો અંત હાર સાથે કર્યો
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2024નો અંત હાર સાથે કર્યો હતો. મેલબર્નમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ટીમ 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 1-2થી પાછળ રહી ગઈ હતી. જોકે, ટીમે નવા વર્ષની શરૂઆત જ ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટથી જ કરવાની છે. આ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. જે ભારત માટે કરો યા મરો મેચ હશે કારણ કે ભારત પાસે ટ્રોફી જાળવી રાખવાની સાથે સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC) ફાઈનલ માટે તકોને જીવંત રાખવાની તક હશે.
ચેમ્પિયન્સ ટ્રોફી અને ઈંગ્લેન્ડ સામે રમશે ભારતીય ટીમ
ભારતે ઘરઆંગણે નવા વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામે મર્યાદિત ઓવરોની સિરીઝ રમવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 22 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી 5 T20 અને 3 વનડે મેચોની સિરીઝ રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવાની છે. તે પાકિસ્તાનમાં આયોજિત થવાની હતી, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઈનકાર કરી દીધો હતો, જેના પછી ICCએ ભારતની મેચ દુબઈમાં યોજવાનો નિર્ણય લીધો હતો. ભારત છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યું હતું અને વર્ષ 2017માં ફાઈનલમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડની ટીમમાં પાછો ફર્યો આ દિગ્ગજ ખેલાડી, ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે જાહેર કરી સ્કવોડ
WTC ફાઈનલમાં પહોંચશે તો જૂનમાં સાઉથ આફ્રિકા સામે ટક્કર
ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં પાછળ પડ્યા બાદ ભારત માટે WTC ફાઈનલનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. પરંતુ તેના દરવાજા સંપૂર્ણપણે બંધ નથી થયા. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને પાંચમી ટેસ્ટમાં હરાવશે તો ભારતે પ્રાર્થના કરવી પડશે કે ઓસ્ટ્રેલિયન ટીમ શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં હારી જાય. આ સ્થિતિમાં ભારત WTC ફાઈનલ માટે ક્વોલિફાઈ કરી શકે છે. જો ભારત આમ કરવામાં સફળ રહેશે તો ટીમ ઈન્ડિયા જૂનમાં લંડનમાં સાઉથ આફ્રિકા સામે ટાઈટલ મેચ રમશે. WTCની ફાઈનલ મેચ 11થી 15 જૂન દરમિયાન રમાશે.
આ પણ વાંચો: હવે WTCની ફાઈનલમાં કેવી રીતે પ્રવેશી શકશે ભારત? આ ટીમના હાથમાં છે ભાગ્ય
ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ-બાંગ્લાદેશના પ્રવાસે જશે
જૂનથી ઓગસ્ટ દરમિયાન ટીમ ઈન્ડિયા પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 4 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ ટેસ્ટ સિરીઝ WTC 2025-2027 ચક્ર હેઠળ યોજાશે. ઈંગ્લેન્ડ પછી ભારતે ઓગસ્ટમાં 3 વનડે અને T20 મેચોની સિરીઝ માટે બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો છે. આ સિરીઝની તારીખ અને સ્થળની જાહેરાત નથી કરવામાં આવી.
ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ અને એશિયા કપ રમશે
બાંગ્લાદેશ પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝની સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ માટે પણ હજુ તારીખ અને સ્થળની જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ તે ઓક્ટોબરમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ બાદ ટીમ T20 ફોર્મેટમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લેશે. ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત દ્વારા તેનું આયોજન કરવામાં આવશે, જેમાં છ ટીમો ભાગ લેશે. ભારત આ ટૂર્નામેન્ટનું ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. વર્ષ 2026માં યોજાનાર T20 વર્લ્ડકપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.
ફરી ઓસ્ટ્રેલિયા સામે મુકાબલો
ભારતને વર્ષ 2025ના અંતમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામે રમવાની તક મળશે. ટીમ નવેમ્બરમાં ઘરઆંગણે કાંગારૂ ટીમ સામે 3 વનડે અને 5 T20 મેચોની સિરીઝ રમશે.
વર્ષ 2025ના અંતમાં સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટની સિરીઝ
આ સિવાય વર્ષ 2025ના અંતમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમશે. આ સિરીઝ ભારતમાં યોજાશે. ભારત નવેમ્બર-ડિસેમ્બર 2025માં સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચોની સિરીઝ રમશે.