
ભારતના દિગ્ગજ બોલર જસપ્રીત બુમરાહની 2024ના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધી યર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેણે ઈંગ્લેન્ડના જો રુટ, હેરી બ્રૂક અને શ્રીલંકાના કામિંડુ મેન્ડિસને પછાડી આ ખિતાબ જીત્યો છે. બુમરાહ પોતાની આક્રમક બોલિંગ માટે લોકપ્રિય રહ્યો છે. તેણે 2024માં 13 ટેસ્ટ મેચમાં 14.92ની એવરેજ અને 30.16ના સ્ટ્રાઈક રેટ સાથે 71 વિકેટ ઝડપી હતી.
https://twitter.com/BCCI/status/1883819757222379994
ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર
જણાવી દઈએ કે, જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીતનાર માત્ર છઠ્ઠો ભારતીય છે. અગાઉ રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સેહવાગ, રવિચંદ્રન અશ્વિન અને વિરાટ કોહલી આ એવોર્ડ જીતી ચૂક્યા છે. પરંતુ તેમાંથી કોઈ પણ ઝડપી બોલર નથી. અર્થાત્ જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ થનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો છે.
જસપ્રીત બુમરાહનું ઐતિહાસિક પ્રદર્શન
2024નું વર્ષ ટેસ્ટ ક્રિકેટમાં જસપ્રીત બુમરાહ માટે ખૂબ સારું રહ્યું. ભારતની ભૂમિ ઉપરાંત વિદેશી પરિસ્થિતિઓમાં પણ તેનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો. બુમરાહ 2023માં પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા પછી ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફર્યો હતો. 2024માં તે ભારતના સૌથી સફળ ખેલાડીઓમાંનો એક બન્યો. ગયા વર્ષે ટેસ્ટમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ટીમની જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ સફળ રહ્યો.
એક કેલેન્ડર વર્ષમાં 70+ ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો માત્ર ચોથો બોલર
જસપ્રીત બુમરાહે વર્ષ 2024માં કુલ 13 ટેસ્ટ મેચ રમતા ૧૪.૯૨ ની સરેરાશથી ૭૧ વિકેટ લીધી છે. ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બુમરાહ સિવાય અન્ય કોઈ બોલર 60 વિકેટના આંકડે પહોંચી શક્યો નહોતો. ટેસ્ટ ઇતિહાસમાં એક કેલેન્ડર વર્ષમાં 70+ વિકેટ લેનારા 17 બોલરોમાંથી બુમરાહ જેટલી ઓછી સરેરાશથી કોઈએ આવું કારનામું કર્યું નથી. બુમરાહ એક કેલેન્ડર વર્ષમાં 70+ ટેસ્ટ વિકેટ લેનાર ભારતનો માત્ર ચોથો બોલર છે.
2024માં બુમરાહની સિદ્ધિઓ
T20 વર્લ્ડ કપ વિજેતા
T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ
આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર
પર્થ ટેસ્ટમાં કેપ્ટન તરીકે વિજય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો
૨૦૦ ટેસ્ટ વિકેટનો આંકડો પૂર્ણ કર્યો
દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝ પ્લેયર ઓફ ધ સિરીઝ
ભારતના સૌથી વધુ રેટિંગ ધરાવતા ટેસ્ટ બોલર