
આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી. પહેલી 3 મેચ હારેલી ટીમ ધીમે ધીમે જીતના ટ્રેક પર ચડી રહી છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 25મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે હરાવીને સતત બીજી જીત નોંધાવી હતી. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાને પહોંચી ગયું છે. મુંબઈ માટે જીતનો પાયો નાંખનાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ઘાતક સ્પેલ નાંખીને વિરોધી ટીમને બૂમ પડાવી દીધી હતી. બુમરાહ આરસીબી સામે 5 વિકેટ લેનારો પ્રથમ બોલર બનવા સાથે તેણે આશિષ નેહરાનો રેકોર્ડને તોડ્યો છે. આશિષ નહેરાએ 2015માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે 10 રનમાં 4 વિકેટ ઝડપી હતી. 30 વર્ષીય બુમરાહ IPLમાં બે વખત 5 વિકેટ ઝડપનાર ચોથો બોલર છે.
જસપ્રીત બુમરાહની રેકોર્ડબ્રેક બોલિંગથી આરસીબીનો બોલર મોહમ્મદ સિરાજ પણ પ્રભાવિત થયો હતો. મેચ બાદ સિરાજે અનુભવી ઝડપી બોલર બુમરાહને મળવા દરમિયાન માથું નમાવી હાથ મિલાવીને અભિનંદન પાઠવ્યા હતા. બુમરાહે 4 ઓવરના સ્પેલમાં 21 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેણે IPLમાં બીજી વખત 5 વિકેટ ઝડપી છે. બુમરાહ આરસીબી સામે હેટ્રિક લે તેવી પણ શક્યતા ઉપર આકાશદીપે પાણી ફેરવી દીધું હતું.
બુમરાહે પોતાની આ શાનદાર બોલિંગથી ઘણા મોટા રેકોર્ડ પણ પોતાના નામે કરી દીધા. બુમરાહ પર્પલ કેપ હોલ્ડર પણ બની ગયો છે. જસપ્રીત બુમરાહે વિરાટ કોહલીને પોતાનો પહેલો શિકાર બનાવ્યો હતો. કોહલી વિકેટકીપર ઈશાન કિશનના હાથે વિકેટ પાછળ કેચ આઉટ થયો હતો. આ પછી, સ્લોગ ઓવરમાં, તેણે ફાફ ડુ પ્લેસિસને 61ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન મોકલ્યો. તેની ત્રીજી વિકેટ મહિપાલ લોમરોરની રહી, તેને ખાતું ખોલ્યા વિના જ જવુ પડ્યું. ચોથી વિકેટ સૌરવ ચૌહાણ (9 રન) ની લીધી. જ્યારે 5મી વિકેટ વિજયકુમાર વૈશાખની હતી, જે ખાતું પણ ખોલી શક્યો નહોતો.
30 વર્ષીય બુમરાહ IPLમાં બે વખત 5 વિકેટ ઝડપનાર ચોથો બોલર છે. જસપ્રીત બુમરાહ અગાઉ જેમ્સ ફોકનર, જયદેવ ઉનડકટ અને ભુવનેશ્વર કુમાર IPLમાં બે વખત પાંચ વિકેટ લઈ ચૂક્યા છે. પાંચ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહે કહ્યું કે તે તેના પ્રદર્શનથી ખુશ છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં બોલરોને ઘણું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં તમારે અલગ-અલગ સ્કિલની જરૂરિયાત છે. બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.