
ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જો રૂટે આજે (11 જુલાઈ) ભારત સામે લોર્ડ્સ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટના બીજા દિવસે પોતાની કારકિર્દીની 37મી ટેસ્ટ સદી ફટકારી. તેણે ભારતના દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડ અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને પાછળ છોડી દીધા. બંનેના નામે 36-36 સદી છે. હવે ફક્ત સચિન તેંડુલકર, જેક્સ કાલિસ, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા જ તેની આગળ છે. હવે તે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર પાંચમો ખેલાડી બની ગયો છે. ઉપરાંત તે એક્ટિવ ખેલાડીમાં ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પહેલા નંબર પર પહોંચી ગયો.
જો રૂટે લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસે પહેલી જ બોલે જ જસપ્રીત બુમરાહની બોલ પર ચોગ્ગો ફટકાર્યો અને આ સિદ્ધિ હાંસલ કરી. જો રૂટ પહેલી અને બીજી ટેસ્ટમાં બેટથી કંઈ ખાસ નથી કરી શક્યો. તેણે પહેલી ટેસ્ટની બીજી ઈનિંગમાં અણનમ અડધી સદી ફટકારી હતી. પરંતુ બીજી ટેસ્ટમાં તે કંઈ ખાસ ન કરી શક્યો.
ત્રીજી ટેસ્ટમાં તેણે 192 બોલમાં પોતાની સદી પૂરી કરી. જોકે, સદી ફટકાર્યા પછી જો રૂટ પોતાની ઈનિંગ લંબાવી ન શક્યો અને 104 રન પર જસપ્રીત બુમરાહ દ્વારા બોલ્ડ થયો. જો રૂટના આઉટ થયા પછી, ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બેકફૂટ પર હોય તેવું લાગે છે.
ઈંગ્લેન્ડે 44 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી
જો રૂટ 14મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારે ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટે 44 રન હતો. નીતિશ કુમાર રેડ્ડીએ એક જ ઓવરમાં બેન ડકેટ અને ઝેક ક્રોલીને પવેલિયન મોકલ્યા હતા. આ પછી, રૂટે ઓલી પોપ સાથે 109 રનની પાર્ટનરશિપ કરી. બંનેએ બીજા સેશનમાં ભારતને કોઈ વિકેટ ન આપી. પોપે 44 રન બનાવ્યા. ટી પછી તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો.
ત્યારબાદ જો રૂટે હેરી બ્રુક સાથે 19 રનની પાર્ટનરશિપ કરી. બ્રુક 11 રન બનાવીને આઉટ થઈ ગયો. તે જસપ્રીત બુમરાહના બોલ પર આઉટ થયો. ત્યારબાદ ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 172 રન હતો. આ પછી, રૂટ અને કેપ્ટન બેન સ્ટોક્સ સાથે મળીને સ્કોર 250ને પાર લઈ ગયા.